અફઘાનિસ્તાનના અશરફ ગની બીજીવાર રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા
કાબુલ, અશરફ ગની એકવાર ફરી અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા છે. દેશના ચૂંટણી પંચ દ્વારા મંગળવારે ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના પ્રમુખ હવા આલમ નૂરિસ્તાનીએ કાબુલમાં સંવાદદાતા સંમેલનમાં કહ્યું, ‘ચૂંટણી પંચ ૫૦.૬૪ ટકા મત પ્રાપ્ત કરનાર અશરફ ગનીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરે છે.’
ગનીના મુખ્ય વિરોધી અબ્દુલ્લા અબ્દુલ્લાએ મતદાનમાં ગેરરીતિના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ફરીથી મતોની ગણતરીને કારણે પરિણામમાં આશરે પાંચ મહિનાનો વિલંબ થયો હતો. આ ચૂંટણીમાં અબ્દુલ્લા અબ્દુલ્લાને ૩૯.૫૦ ટકા મત મળ્યા છે. અશરફ ગની આગામી પાંચ વર્ષ સુધી અફઘાનિસ્તાનની સત્તા સંભાળશે.