અફઘાનિસ્તાનમાં તાલિબાનનો અનેક જિલ્લા ઉપર કબજાે
કાબુલ: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો ધીરે ધીરે પરત જવા લાગ્યા છે. જે સાથે જ હવે તાલિબાની આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે અને કબજાે કરવા લાગ્યા છે. ઉત્તરી અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સૈનિકોને ભગાડીને અનેક વિસ્તારો પર કબજાે કરી લીધો છે. જ્યારે અફઘાનિસ્તાનના ૩૦૦થી વધુ સૈનિકો સરહદ પાર કરીને તાજિકિસ્તાન જતા રહ્યા હતા. આ અંગેની જાણકારી તાજિકિસ્તાન દ્વારા આપવામાં આવી હતી.
તાજિકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા અંગેની સ્ટેટ કમિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તાલિબાની આતંકીઓ મોટી સંખ્યામાં સરહદી વિસ્તારો કાબુ કરવા માટે આગળ વધી રહ્યા હતા. તે અંગેની જાણકારી મળતા અફઘાનિસ્તાનના ૩૦૦થી વધુ સૈનિકો અફઘાનિસ્તાનના બડાખશાન પ્રાંતથી ભાગીને અમારી સરહદ પાર કરી પ્રવેશ કર્યો છે.માનવતા અને સારા પાડોશી દેશ હોવાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અમે અફઘાનિસ્તાનના સૈનિકોને પાછા હટી રહ્યા હતા ત્યારે શરણ આપી હતી અને કોઇ જ વિરોધ નહોતો કર્યો.
એપ્રીલના મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અંતહીન યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં ફરી માથુ ઉચક્યું છે અને હુમલા વધારી દીધા છે. સાથે જ જે વિસ્તારોમાંથી અમેરિકન સૈન્યએ તેમને ભગાડયા હતા ત્યાં ફરી કબજાે કરવામાં આવી રહ્યો છે. હાલની સિૃથતિ અનુસાર અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લામાંથી ત્રીજા ભાગ પર તાલિબાની આતંકીઓનો કબજાે છે. અને હવે તેઓ પોતાના કબજા વાળા વિસ્તારોને વધારવા લાગ્યા છે. જેને પગલે હવે અફઘાનિસ્તાને ફરી અન્ય કોઇ દેશની મદદ લેવી પડી શકે છે.