અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા

કાબુલ: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. થોડાક દિવસોથી તેઓ કંધારમાં ઊભી થયેલી સ્થિતિને કવર કરી રહ્યા હતા. રોયટર્સના અહેવાલ મુજબ, શુક્રવારે દાનિશ તાલિબાન અને અફઘાન આર્મીની વચ્ચેના યુદ્ધને કવર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની હત્યા થઈ છે. દાનિશ ભારતમાં રોયટર્સ પિક્ચર્સ ટીમના પ્રમુખ પણ હતા.
અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમૂદે શુક્રવારે આ વાતની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી છે. મળતી જાણકારી મુજબ, દાનિશ સિદ્દીકીની હત્યા સ્પિન બોલ્ડક જિલ્લામાં થઈ છે. આ જિલ્લો પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલો છે. હત્યા કોણે કરી અને તેનું કારણ શું હતું, આ વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી.
અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મસૂદે ટ્વીટ કર્યું કે, કાલે રાત્રે કંધારમાં એક દોસ્ત દાનિશ સિદ્દીકીની હત્યાના દુખદ સમાચારથી ખૂબ પરેશાન છું. ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અફઘાન સુરક્ષા દળોની સાથે કવરેજ કરી રહ્યા હતા.
હું તેમને બે સપ્તાહ પહેલા તેમના કાબુલ જતાં પહેલા મળ્યો હતો. તેમના પરિવાર અને રોયટર્સ પ્રત્યે સંવેદના.
અફઘાનિસ્તાનની સ્પશલ ફોર્સિસ જ્યારે એક રેસ્ક્યૂ મિશન પર હતી, ત્યારે દાનિશ તેમની સાથે હાજર હતા. દાનિશે પોતાના ટિ્વટર હેન્ડલ પર ૧૩ જુલાઈએ એક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સમગ્ર અફઘાનિસ્તાનના અનેક મોરચા પર લડાઈ લડી રહેલા અફઘાન સ્પેશલ ફોર્સિસની સાથે છે. તેમણે લખ્યું કે, હું એક મિશન પર આ યુવાઓ સાથે છું. આજે કંધારમાં આ ફોર્સિસ રેસ્ક્યૂ મિશન પર હતી. આ પહેલા આ લોકો આખી રાત એક કોમ્બેટ મિશન પર હતા.
રોયટર્સના રિપોર્ટ મુજબ, દાનિશ સિદ્દીકી હાલમાં અફઘાનિસ્તાનની સ્પેશલ ફોર્સિસના મિશન પર કામ કરી રહ્યા હતા. મિશન દરમિયાન અફઘાન ફોર્સિસ એક એવા પોલીસકર્મીનું રેસ્ક્યૂ કરી રહ્યા હતા, જે પોતાના સાથીઓથી અલગ થઈ ગયો હતો. તેમ છતાંય તે તાલિબાનીઓની સાથે સતત લડતો રહ્યો. દાનિશે પોતાના આ રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે,
તાલિબાનીઓએ કેવી રીતે રોકેટથી અફઘાની ફોર્સિસના કાફલા પર હુમલો કર્યો હતો અને બાદથી સ્થિતિ શું હતી.દાનિશ સિદ્દીકીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક ટીવી રિપોર્ટર તરીકે કરી હતી. બાદમાં તેઓ ફોટો જર્નાલિસ્ટ બની ગયા હતા. દાનિશ સિદ્દીકીને રોહિંગ્યા શરણાર્થીઓના અસાધારણ કવરેજ માટે વર્ષ ૨૦૧૮માં પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.