અફઘાનિસ્તાન અફીણ-હેરોઈનનું ઉત્પાદન બંધ થશે, તાલિબાને મોટાપાયે પ્રયાસો શરુ કર્યા

કાબુલ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે નશીલા પદાર્થોનું ઉત્પાદન ઘટે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં ૧.૮ અબજ ડોલરથી ૨.૭ અબજ ડોલરના નશીલા પદાર્થોનું ઉત્પાદન થયું હતું. અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી મોટાપાયે થાય છે.
અફઘાનિસ્તાનના જીડીપીમાં નશીલા પદાર્થોના ઉત્પાદનનો હિસ્સો ૧૪ ટકા જેટલો ઊંચો છે. અફઘાનિસ્તાનમાં ૨૦૨૦માં ૫૯૦ ટન હેરોઈનનું ઉત્પાદન થયું હતું, જે ૨૦૨૧માં વધીને ૬૫૦ ટને પહોંચ્યું હતું. એ જ રીતે અફીણની ખેતી પાંચ લાખ હેક્ટરે પહોંચી ગઈ છે. વર્ષે ૩૪૦૦ ટન અફીણનું ઉત્પાદન અફઘાનિસ્તાન કરે છે.
અફઘાનિસ્તાનના હેલ્મંડ પ્રાંતમાં આવેલા વાશિર જિલ્લામાં અફઘાનિસ્તાનના લડવૈયાઓ એક અફીણના ખેતરમાં ટ્રેકટર લઈને ઘૂસ્યા હતા અને અફીણનો નાશ કરવા લાગ્યા હતા. ખેડૂત તેનો વિરોધ કરી શક્યો ન હતો. આ પ્રાંતમાં એવા ઘણાં બનાવો બનવા લાગ્યા છે.
અફઘાનિસ્તાનના ગૃહમંત્રીએ થોડા દિવસ પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે શરિયા કાયદા પ્રમાણે નશીલા પદાર્થોનું ઉત્પાદન કરવું કે નશીલા પદાર્થોનું સેવન કરવું તે ધર્મથી વિરૂદ્ધ છે. ખેડૂતોએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે બીજા વિકલ્પ વગર અચાનક અફીણની ખેતી બંધ કરી દેવામાં આવશે તો અસંખ્ય ખેડૂતો ગરીબી રેખાની નીચે ધકેલાઈ જશે.
અફઘાનિસ્તાન દુનિયામાં અફીણનું સૌથી મોટું ઉત્પાદક છે. યુરોપ-એશિયામાં પહોંચતા નશીલા પદાર્થો અફઘાનિસ્તાનમાં તૈયાર થાય છે. છેલ્લાં ૨૦ વર્ષમાં અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી બમણી થઈ ચૂકી છે. અમેરિકાએ અગાઉ પણ અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ઘટે તે માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનાથી અફઘાનિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગશે એવો તર્ક અપાયો હતો. તાલિબાને અગાઉ જ્યારે અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યો ત્યારે ય અફીણની ખેતી પર પ્રતિબંધ મૂક્યો હતો.HS1MS