અફઘાનિસ્તાન સાથે ભારતના ગાઢ સંબંધ છે: વિદેશ મંત્રી
નવીદિલ્હી, ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં ત્રીજી મંત્રણા યોજાઈ હતી, જેમાં ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. પાંચ મધ્ય એશિયાઈ દેશો સાથે ભારતના સંવાદની ત્રીજી આવૃત્તિ અફઘાનિસ્તાનની સ્થિતિ, કનેક્ટિવિટી અને વિકાસ-કેન્દ્રિત સહકારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી.
આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાન સાથે ભારતના ગાઢ સંબંધ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, “અમારા બધાના અફઘાનિસ્તાન સાથે ગાઢ સંબંધ છે. આપણે બધા અફઘાનિસ્તાનમાં એક પ્રતિનિધિ સરકાર, આતંકવાદ સામેની લડાઈ અને અફઘાનિસ્તાનમાં મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા ઈચ્છીએ છીએ.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત તેના વિસ્તૃત પડોશના ભાગ રૂપે ઊર્જા સમૃદ્ધ મધ્ય એશિયાઈ દેશો સાથે તેના એકંદર સહયોગને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસે પશ્ચિમ એશિયાના દેશોના મહત્વને વધુ મજબૂત બનાવ્યું છે, જેમાંથી ત્રણ-તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન- યુદ્ધગ્રસ્ત રાષ્ટ્ર સાથે સરહદો વહેંચે છે.
૧૦ નવેમ્બરે અફઘાનિસ્તાન પર ભારત દ્વારા આયોજિત પ્રાદેશિક સંવાદમાં તમામ પાંચ પશ્ચિમ એશિયાઈ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ ભાગ લીધો હતો. રશિયા અને ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ પણ હાજરી આપી હતી.HS