અફઘાનિસ્તાન સેનાએ ૩૦૦ તાલીબાની ફાઈટર્સને ફૂંક્યા
કાબુલ: અફઘાનિસ્તાનમાં વધી રહેલા તાલિબાનના વર્ચસ્વને રોકવા માટે અફઘાની સેના સતત મુકાબલો કરી રહી છે. તેના અનુસંધાને અફઘાની સેનાના જવાનોને મોટી સફળતા હાથ લાગી છે. આશરે ૨૪ કલાકની અંદર જ સેનાએ ૩૦૦ તાલિબાની ફાઈટર્સને ફૂંકી માર્યા હતા. ગુરૂવારે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં અફઘાની સેનાના ઓપરેશનમાં ૩૦૩ તાલિબાની આતંકવાદી માર્યા ગયા છે અને ૧૨૫ ઘાયલ થયા છે.
અફઘાની સેનાએ નાંગરહાર, લઘમાન, ગજની, પક્તિકા, કંધાર સહિત આસપાસના વિસ્તારોમાં આ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મોટા પાયે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
અફઘાની સુરક્ષા દળોએ હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહના શહેરમાં એક મોટું ઓક્રમક અભિયાન શરૂ કર્યું છે અને ત્યાંના રહેવાસીઓને તાલિબાનના નિયંત્રણવાળા ક્ષેત્રો ખાલી કરવા વિનંતી કરી છે. અફઘાની સુરક્ષા દળોએ ચેતવણી આપી હતી કે, તાલિબાન નાગરિકોના ઘરનો ઉપયોગ ફાઈટિંગ પોઝિશન માટે કરી રહ્યા છે. હવાઈ હુમલા અને જમીની અભિયાન આગળ વધી રહ્યા હોવાથી સ્થાનિકોને તાલિબાનના નિયંત્રણવાળા વિસ્તારો ખાલી કરવા કહેવામાં આવ્યું છે.
લશ્કરગાહના ૧૦માંથી ૯ જિલ્લાઓ પર તાજેતરની લડાઈમાં તાલિબાને કબજાે જમાવ્યો છે અને હેલમંદના ૧૩ પૈકીના ૧૨ જિલ્લાઓ તાલિબાનના નિયંત્રણમાં છે.