અબોલ પશુઓને ઘર બેઠા સારવાર આપવા રાજ્યભરમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત: પશુપાલન મંત્રી
ગાંધીનગર, રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના પશુપાલકો-પશુઓને સારવાર આપવા માટે સંવેદના દાખવી મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કર્યા છે.
રાજ્યમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે. આજે વિધાનસભા ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત પશુ દવાખાનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ પશુ દવાખાના કાર્યરત છે જેના દ્વારા છેલ્લા બે વર્ષમાં ૭૪,૬૫૬ પશુઓને સારવાર અપાઈ છે. ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના યોજના હેઠળ અબોલ પશુઓને ઘરબેઠા સારવાર આપવા માટે આ દવાખાના કાર્યરત કરાયા છે. આ યોજનાને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે.
મંત્રી રાઘવજીભાઈ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર અબોલ પશુઓ માટે સંવેદના દાખવી પશુચિકિત્સા સેવાઓ સુદ્રઢ આયોજનથી પુરી પાડી રહી છે.
કરુણા એમ્બ્યુલન્સના માધ્યમ થકી ઇજાગ્રસ્ત કે બીમાર પક્ષીઓને સારવાર પૂરી પાડી તેમના જીવ બચાવવામાં આવે છે. મંત્રીએ પશુ દવાખાનાના મંજૂર મહેકમ સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, જૂનાગઢ જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૨૭, ડ્રેસર વર્ગ-૪ની ૦૬ અને પટાવાળા/એટેન્ડન્ટ વર્ગ-૪ની ૨૦ જગ્યાઓ છે જ્યારે, રાજકોટ જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૨૮, ડ્રેસર વર્ગ-૪ની ૧૧ અને પટાવાળા/એટેન્ડન્ટ વર્ગ-૪ની ૧૫ જગ્યાઓ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૧૭૦ જેટલી જગ્યાઓ સત્વરે ભરી રાજ્યની પશુ ચિકિત્સા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવાશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.HS