અબોલ પશુ-પંખીઓની વ્હારે 1962- કરૂણા એનિમલ ઈમરજન્સી એમ્બ્યુલન્સ
પક્ષીઓની ઝડપી સારવાર માટે જિલ્લામાં 1 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સાથે 9 એમવીડી તૈનાત રહેશે વર્ષ- 2018માં 57 અને વર્ષ-2019માં 54 ઈજાગ્રસ્ત પંખીઓની સારવાર કરાઈ
ગોધરા: ઉત્તરાયણ દરમિયાન પતંગબાજીમાં વપરાતા દોરાના કારણે ઘાયલ થતા પક્ષીઓ અને પશુઓની ઝડપી સારવાર માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અબોલ પશુપંખીઓની સારવાર માટે સરકાર દ્વારા રાજ્યભરમાં 1962 કરૂણા એનિમલ ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. ઉત્તરાયણની સિઝનમાં વધુને વધુ પંખીઓના જીવ બચાવવાના હેતુથી કરૂણા અભિયાન અંતર્ગત 1962 એમ્બ્યુલન્સની સહાયતામાં પશુપાલન વિભાગ દરમિયાન જિલ્લામાં વધુ 9 એમવીડી (મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી) તૈનાત કરવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાં 37 અને પંચમહાલ જિલ્લામાં 1 એનિમલ ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1962 પ્રોજેક્ટ- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની શરૂઆત 6 ઓક્ટોબર, 2017ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી કરવામાં આવી હતી. આ હેલ્પલાઈન દ્વારા જિલ્લામાં વર્ષ 2018માં 57 અને વર્ષ 2019માં 54 ઈજાગ્રસ્ત પંખીઓની સારવાર કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં ઈજાગ્રસ્ત પંખીઓની સંખ્યામાં, એક આકલન અનુસાર સામાન્ય દિવસોની તુલનાએ 14મી જાન્યુઆરીના રોજ 29 ટકાનો અને 15મી જાન્યુઆરીના રોજ 229 ટકાનો વધારો થાય તેવું અનુમાન છે.