“અબોલ પશુ પક્ષીઓને અભયદાનના મંત્રને સાર્થક કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે.”-મુખ્યમંત્રી
ઇજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીના મૃત્યુમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
ગાંધીનગર, ઉત્તરાયણએ આપણું પરંપરાગત પર્વ છે. પરંતું અગાઉના વર્ષોમાં આ પર્વને કારણે પતંગોના દોરાથી અનેક અબોલ પક્ષીઓ અને પશુઓને ગંભીર ઇજા થતી તથા મૃત્યુ પણ પામતા હતા. ગુજરાતએ અંહિસાને વરેલું રાજય છે. આપણી સંસ્કૃતિમાં અબોલ પશુ પક્ષીઓ પ્રત્યે જીવદયાએ એક સંસ્કાર છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે અબોલ પશુ પક્ષીઓને અભયદાનના મંત્રને સાર્થક કરવા તત્પર રાજય સરકારે આ બાબતની ગંભીર નોંધ લઇને છેલ્લા ત્રણ વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરેલ છે. ઉત્તરાયણ પર્વ સાથે જીવદયાનું આ ઉત્તમ કાર્ય એ ગુજરાત રાજયની વિશિષ્ટ ઓળખ બની રહ્યું છે. રાજયના સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતેની મુલાકાત દરમિયાન રાજકોટ સ્થિત “કરૂણા અભિયાન” અન્વયે ત્રિકોણબાગ સ્થિત ચાલી રહેલ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કરૂણા ફાઉન્ડેશન, વનવિભાગ અને પશુપાલન વિભાગ તથા વિવિધ સ્વૈછિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં ૬૫૦થી વધુ સારવાર કેન્દ્રો શરૂ કરાયેલ છે. જેમાં ૫૦૦૦થી વધુ પશુ ચિકિત્સકો અને ૫૦૦૦ થી વધુ સ્વંયસેવકો સેવા આપી રહ્યા છે. જેને કારણે ધાયલ પક્ષીઓને ત્વરીત સારવાર મળવાથી આ ઇજાગ્રસ્ત પક્ષીઓના મુત્યુની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
લોકજાગૃતિ અને એમ્બ્યુલન્સ સાથે ત્વરીત સારવાર, ઇજાગ્રસ્ત પક્ષીઓની સહિત ગત વર્ષે રાજકોટ ખાતે ૭૫૦ ઘાયલ પક્ષીઓની સાપેક્ષમાં આ વર્ષે હજુ સુધી માત્ર ૧૫૦ ઘાયલ પક્ષીઓ સારવાર માટે આવેલ છે. જે લોકોની જાગૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેની સંવેદના દર્શાવે છે.
આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ જીવદયાનું સુંદર કાર્ય કરવા બદલ પશુપાલન તથા વનવિભાગના કર્મચારીઓ તથા સ્વંયસેવી સંસ્થાઓને બિદરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે આ અભિયાન અંતર્ગત ૮ એમ્બ્યુલન્સ વાન અને ૨ મોટર સાઇકલ સાથે કુલ ૧૦ વાહનો સહિત ૩૦થી વધુ પશુ ડોકટરો અને ૧૫૦ જેટલા કાર્યકરો સાથે દસ કંટ્રોલ રૂમો પર ઘાયલ પક્ષીઓની સારવાર માટે સતત કાર્યરત હતા. આ પ્રસંગે કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયું હતું. આ મુલાકાતમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા તથા પ્રાંત અધિકારી સિધ્ધરાજસિંહ ગઢવી, કરૂણા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પ્રતિક સંઘાણી, મિત્તલ ખેતાણી, ચંદ્રકાન્તભાઇ શેઠ, કમલેશભાઇ શાહ, ધીરૂભાઇ કાનાબાર સહિત મોટી સંખ્યામાં સ્વંયસેવી સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.