અભયમ પર ૩ લાખથી વધુ મહિલાઓએ મદદ માંગી છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તેમાં પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલા હેલ્પલાઈનને લઈને એક પ્રશ્ન પૂછ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં ૩,૨૬,૨૨૩ મહિલાઓએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ અભયમ પર મદદ માંગી હોવાનું જણાવ્યું હતું. વિધાનસભામાં પૂછવા આવેલા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ બે વર્ષમાં મહિલાઓએ અભયમની માંગેલી મદદની વિગતો આપી હતી. જેમાં તા.૧ નવેમ્બર,૨૦૧૭થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ સુધીના એક વર્ષમાં ૧,૫૬,૩૯૨ મહિલાઓએ મહિલા હેલ્પલાઈનને ફરિયાદ કરી હોવાનું જણાવાયું હતું. જ્યારે તા.૧ નવેમ્બર, ૨૦૧૮થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ સુધીના બીજા વર્ષમાં ૧,૬૯,૮૩૧ મહિલાઓની ફરિયાદ મળી હતી.
બે વર્ષમાં કુલ ૩,૨૬,૨૨૩ મહિલાઓએ મહિલા હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. જેનો ખર્ચ રૂ. ૩,૦૬,૨૨,૭૧૨ થયો હતો. બે વર્ષમાં ૩,૨૬,૨૨૩ મહિલાઓની ફરિયાદ પાછળ કુલ રૂ. ૫,૩૫,૮૫,૯૪૮ થયો છે. ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન શરૂ કરાઈ હતી. રાજ્યના મહિલા અને બાળ વિકાસ, મહિલા આયોગ અને ગૃહ વિભાગ દ્વારા જીવીકે ઇએમઆરઆઇ દ્વારા સંકલિત ૧૮૧ મહિલા હેલ્પલાઈનને ગુજરાતમાં તા.૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી આ સેવા શરૂ કરાઈ છે અને ચોવીસે કલાક મહિલાઓને કાઉન્સેલર મહિલાઓનું કાઉન્સલીંગ કરે છે. રાજ્યભરમાં ૪૫ જેટલી રેસ્ક્યૂ વાન છે.