અભિજીત સાવંત ઈન્ડિયન આઈડલના મેકર્સ પર ભડક્યો
મુંબઈ: છેલ્લા થોડા વર્ષોથી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ વિવાદોમાં છે. આ શોની દરેક સીઝન કોઈને કોઈ કારણોસર વિવાદને નોંતરું આપે છે. આ વર્ષે ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ને લઈને ઘણી કોન્ટ્રોવર્સી થઈ છે. શોમાં કન્ટેસ્ટન્ટ સવાઈ ભટ્ટની ગરીબીથી માંડીને કિશોર કુમારના ગીતો બગાડવા સુધી આ સીઝન વારંવાર ટ્રોલર્સના નિશાને આવી છે. ઈન્ડિયન આઈડલમાં ચાલી રહેલા આ ડ્રામા પર હવે શોની પહેલી સીઝનના વિજેતા અભિજીત સાવંતે મોટી વાત કહી છે. અભિજીતના મતાનુસાર, આજકાલ રિયાલિટી શોના મેકર્સ કોઈ કન્ટેસ્ટન્ટના ટેલેન્ટથી વધારે એ વાત પર ધ્યાન આપે છે કે તે બૂટ પોલિશ કરે છે અથવા તો કેટલો ગરીબ છે.
આ શોની ૧૧મી સીઝન કન્ટેસ્ટન્ટ સની હિંદુસ્તાની જીત્યો હતો. સની ૧૩ વર્ષનો હતો ત્યારે પિતાનું મોત થયું હતું. જે બાદ ગુજરાન ચલાવા માટે સનીએ બૂટ પોલિશનું કામ શરૂ કર્યું હતું. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સિંગર અભિજીત સાવંતે કહ્યું, જાે તમે રિજનલ રિયાલિટી શો જાેશો તો તેમાં દર્શકોને ભાગ્યે જ કન્ટેસ્ટન્ટના બેકગ્રાઉન્ડ વિશે માહિતી હશે.
ત્યાં લોકો માત્ર ગાયકી પર ધ્યાન કેંદ્રિત કરે છે પરંતુ હિન્દી રિયાલિટી શોમાં કન્ટેસ્ટન્ટ્સની ટ્રેજિક અને દુઃખભરી કહાણીઓ સંભળાવામાં આવે છે. સિંગિંગ કરતાં વધુ ધ્યાન તેના પર રાખવામાં આવે છે. અભિજીતે એ વાતે પણ નારાજગી દર્શાવી છે કે, હવે ‘ઈન્ડિયન આઈડલ’માં લવ એંગલ અને લવ ઈન્ટ્રેસ્ટ બતાવામાં આવે છે. તેણે કહ્યું, કન્ટેસ્ટન્ટ્સ પર આધાર રાખે છે કે તેઓ પોતાની પર્સનલ બાબતોને અંગે કેટલા સહજ છે. ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયન આઈડલ ૧૧’માં શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને જજ નેહા કક્કડનો લવ એંગલ અને પછી નકલી લગ્ન બતાવાયા હતા. ત્યારે ૧૨મી સીઝનમાં કન્ટેસ્ટ્ન્ટ્સ અરુણિતા કાંજીલાલ અને પવનદીપ રાજન વચ્ચે લવ એંગલ બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે હકીકતે તેઓ માત્ર સારા મિત્રો છે.