અભિનંદનની મુક્તિ મુદ્દે પાકિસ્તાનની સંસદમાં મોટો ખુલાસો: થર-થર કાંપી રહ્યાં હતા બાજવા
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે મહત્વનો ખુલાસો કર્યો. તેમણે પાકિસ્તાનની સંસદમાં નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ભારતના ખૌફના કારણે પાકિસ્તાનને અભિનંદનને મુક્ત કરવા પડ્યા.
પાકિસ્તાન એસેમ્બલીના પૂર્વ સ્પિકર અયાજ સાદિકે કહ્યુ કે, પાકિસ્તાનને ભય હતો કે, અભિનંદનને છોડવામાં નહી આવે તો ભારત નવ વાગ્યા સુધીમાં હુમલો કરી શકે છે. સમગ્ર ઘટના ક્રમ વચ્ચે પાકિસ્તાનમાં મળેલી એક બેઠકમાં પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના પગ ધ્રુજી રહ્યા હતા અને તેમના ચહેરા પર પરસેવો પણ આવી ગયો હતો. બાજવાને ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો હતો.
અયાજ સાદિકે વધુમાં જણાવ્યુ હતુ કે, વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી પણ ધ્રુજી રહ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, અભિનંદનને મુક્ત કરવા જોઈએ. મહત્વપૂર્ણ છે કે, ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય એરસ્પેસમાં ઘૂસી આવતા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના યુદ્ધ વિમાનને ભગાડ્યા હતા. જે દરમ્યાન અભિનંદનનું વિમાન પીઓકેમાં ક્રેશ થયુ હતુ અને પાકિસ્તાની સેનાએ અભિનંદનને પકડી લીધા હતા. બાદમાં પાકિસ્તાન સરકાર પર દબાણ વધતા વાઘા બોર્ડર પરથી પાકિસ્તાને અભિનંદનને પરત મોકલવાની ફરજ પડી હતી.