અભિનેતા શાહીર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા સાથે સગાઈ કરી લીધી
મુંબઈ: યે રિશ્તે હૈ પ્યાર કેના એક્ટર શાહીર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે સગાઈ કરી લીધી છે. એક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે સગાઈના ન્યૂઝ શેર કર્યા છે. શાહીરે ગર્લફ્રેન્ડનો હાથ પકડેલી તસવીર શેર કરી છે. જેમાં રૂચિકાની આંગળીમાં એંગેજમેન્ટ રિંગ જોવા મળે છે. સગાઈ બાદની ખુશી રૂચિકાના હાસ્યમાં છલકાઈ રહી છે. તસવીરમાં રૂચિકા કોઈ બાબતે ખડખડાટ હસતી જોવા મળી રહી છે.
શાહીરે તસવીર શેર કરતાં લખ્યું, મારી બાકીની આખી જિંદગી માટે ઉત્સુક છું. છેલ્લા થોડા સમયથી શાહીર શેખ આ વર્ષના અંતે પરણી જશે તેવા અહેવાલો આવી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ કરીને શાહીરે ફેન્સને ચોંકાવી દીધા હતા. આ પોસ્ટ પર શાહીર અને રૂચિકાને ઈન્સ્ટાગ્રામ ફેમિલી તરફથી ભરપૂર પ્રેમ અને શુભેચ્છાઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા જ શાહીર શેખે ઈન્સ્ટાગ્રામ પર લેડી લવ સાથેની એક પોસ્ટ મૂકીને તેની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. શાહીરે ગર્લફ્રેન્ડ સાથે મસ્તીના મૂડવાળી એક સેલ્ફી પોસ્ટ કરી હતી. સેલ્ફી પોસ્ટ કરતાં શાહીરે લખ્યું હતું, હીયર યુ ગો ઘણાં મોર્ફ ફોટોગ્રાફ્સ જોયા પછી મને થયું તમારા સૌનો થોડો સમય બચાવી લઉં.
જણાવી દઈએ કે, શાહીર અને રૂચિકા લગભગ દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. એવા અહેવાલો હતા કે નવેમ્બર સુધીમાં કપલ પરણી જશે. શાહીર અને રૂચિકા કોર્ટ મેરેજ કરવાના છે અને નાનકડી સેરેમની પણ યોજાશે. જો કે, આ હાલનો પ્લાન છે બાદમાં આવતા વર્ષે તેઓ ફેબ્રુઆરી મહિનામાં રિવાજો પ્રમાણે લગ્ન કરશે. શાહીરના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે શાહીર અને રૂચિકા સાદગીથી લગ્ન કરશે. મુંબઈમાં લગ્ન થાય તે પહેલા શાહીર જમ્મુમાં પોતાના પરિવાર સાથે નાનકડું ફંક્શન કરશે. જો સ્થિતિ સુધરશે તો આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શાહીર અને રૂચિકા મુંબઈમાં જ રીતિ-રિવાજોથી લગ્ન કરશે.