અભિનેતા સની દેઓલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મુંબઈ: બોલિવૂડ એક્ટર અને પંજાબના ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થાએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સની દેઓલ ખાનગી પ્રવાસ પર હિમાચલ પ્રદેશ આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કુલ્લુ જિલ્લાના મનાલી સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા છે. ખુદ સની દેઓલે પણ ટિ્વટ કરીને કોરોના થયો હોવાની પુષ્ટિ કરી છે.
સની દેઓલે ટિ્વટ કરીને જણાવ્યું કે, મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઈસોલેટેડ છું અને મારી તબિયત સારી છે. હું વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યો છે તેઓ કૃપા કરીને આઈસોલેટ થઈ જાય અથવા તપાસ કરાવે. ૬૪ વર્ષીય અભિનેતા સની દેઓલ તાજેતરમાં મુંબઇમાં ખભાની સર્જરી કરાવી હતી. જે પછી તેઓ આરામ કરવા માટે થોડો સમય મનાલી સ્થિત તેમના ફાર્મ હાઉસ આવ્યા હતા.
તેઓ થોડા દિવસોથી અહીંયા જ છે. ૩ ડિસેમ્બરે સની દેઓલ તેમના એક મિત્ર સાથે મુંબઇ પરત ફરવાના હતા, પરંતુ હવે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવે આ અપડેટ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલનો હિમાચલ પ્રદેશ સાથે ખાસ સંબંધ છે. તે ઘણી વખત સમય પસાર કરવા માટે મનાલી આવે છે. આ વખતે પણ ખભાની સર્જરી બાદ આરામ માટે મનાલી આવ્યા.
આ સમય દરમિયાન, તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે આવ્યા હતા, પરંતુ તેઓ થોડા સમય પહેલા જ અહીં જતા રહ્યા હતા. જો કે, હવે સની દેઓલ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમને કેટલાક દિવસ અહીં જ રોકાવું પડી શકે છે. હાલમાં ડોકટરો તેમની દેખરેખ કરી રહ્યા છે.