અભિનેતા સુશાંતસિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો
પોલીસે આત્મહત્યા કેસમાં ૩૫ જણાની પુછપરછ કરી, સુશાંતે આત્મહત્યા કરી હોવાની પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટતા
મુંબઈ, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ લગભગ બે અઠવાડિયાં બાદ પોલીસને અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે. ૫ ડોકટરોની ટીમે પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરી અંતિમ અહેવાલ તૈયાર કર્યો હતો. જોકે, વિસેરા રિપોર્ટ હજી આવ્યો નથી. પોલીસ તેની રાહ જોઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતે ૧૪ જૂને તેના મુંબઈના ફ્લેટમાં લટકીને આત્મહત્યા કરી હતી. તેના પછી મુંબઇના જુહુની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. મુંબઈ પોલીસ હાલમાં સુશાંતની આત્મહત્યાની તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાંના અંતિમ અહેવાલ પરથી મુંબઈ પોલીસને સુશાંતનું મોત ગળે ફાંસો ખાતા થયું હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંતનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. સુશાંતસિંહ રાજપૂતના શરીર પર કોઈ ઉઝરડા અથવા બાહ્ય ઉઝરડા મળ્યા નથી. તેના નખ સાફ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે આ આપઘાતનો સ્પષ્ટ કેસ છે. આ સિવાય મોતનું બીજું કોઈ કારણ નથી. દિશા સાલિયનના મોતને સુશાંતની આત્મહત્યા સાથે કોઈ સંબંધ નથી,
જોકે સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા રિપોર્ટ આવવાનો બાકી છે. પોલીસે ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટોરેટને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વિસેરા વિશ્લેષણ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પત્ર લખ્યો છે. મુંબઇ પોલીસ હાલમાં વિસેરાના અહેવાલની રાહ જોઇ રહી છે. તે જ સમયે, મુંબઈ પોલીસે તેની કાર્યવાહીમાં ઘણાં ખુલાસા કર્યા છે. મુંબઇ પોલીસે સુશાંતના મૃત્યુ અને અભિનેતાના પૂર્વ મેનેજર દિશા સલિયનની આત્મહત્યામાં કોઈ જોડાણ હોવાનો ઇનકાર કર્યો હતો.