અભિનેત્રી કંગના રનૌતને હાઇકોર્ટ તરફથી રાહત

મુંબઇ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શીખ સમુદાય વિશે વિવાદાસ્પદ પોસ્ટ કરવા પ્રકરણે આજે બોમ્બે હાઇકોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને રાહત આપી હતી. ૨૫ જાન્યુઆરી સુધી કંગના સામે કોઇપણ કઠોર કાર્યવાહી કરવામાં આવશે નહી તેની ખાતરી રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આપી હતી.
આ કલમ હેઠળ તુરંત કંગનાની અટક કરવાનો કોઇ ઇરાદો ન હોવાનું સ્પષ્ટતા પોલીસ તરફથી કરવામાં આવી હતી. કંગનાએ આ પોસ્ટ જાણી જાેઇને કે હેતૂપૂર્વક કરી હોવાના કોઇ પુરાવા તમારી પાસે છે કે તેવો સવાલ કોર્ટે ઉપસ્થિત કર્યો હતો. ત્યારે કંગના મુંબઇ પોલીસની નોટિસનો જવાબ આપતા નથી તેમજ તપાસમાં પણ સહકાર ન આપતી હોવાનો આરોપ રાજ્ય સરકારે કર્યો હતો.
સરકારના આરોપબાદ કંગનાના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને આગામી ૨૨ ડિસેમ્બરના તે ખાર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા હાજર રહેશે. આ વાતની નોંધ લેતા જસ્ટીસ નીતિન જામદાર અને જસ્ટીસ સારંગ કોતવાલની ખંડપીઠે આગામી સુનાવણી ૨૫ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી હતી.HS