અભિનેત્રી મિનિષા લાંબાને ડિવોર્સ પછી ફરી પ્રેમ મળ્યો
મુંબઈ: ફિલ્મ બચના એ હસીનો’ ફેમ એક્ટ્રેસ મિનિષા લાંબાને ફરી પ્રેમ મળી ગયો છે. થોડા દિવસ પહેલા જ ચર્ચા હતી કે, મિનિષા આકાશ મલિક નામના કોઈ યુવકને ડેટ કરી રહી છે. આકાશ અને મિનિષાની મુલાકાત ૨૦૧૯માં પોકર ચેમ્પિયનશીપની ઈવેન્ટમાં થઈ હતી. હવે, મિનિષાએ પુષ્ટિ કરી છે કે, તે પ્રેમમાં છે. વાતચીતમાં મિનિષાએ કહ્યું, “હા, મને ફરી પ્રેમ થયો છે અને હું ખુશ છું. આ સંગાથ મળવા બદલ હું મારા જીવનના દરેક દિવસે ઈશ્વરની આભારી છું. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આકાશ અને મિનિષા માત્ર મિત્રો હતા. પહેલા તો તેઓ એકબીજાને ફોન પણ નહોતા કરતા. પોકર ગેમમાં આવતા-જતા મુલાકાત થતી હતી.
૧૭-૧૮ મહિના પહેલા એક ગેમ દરમિયાન બંનેએ પહેલીવાર એકબીજાને જાેયા હતા. થોડી-થોડી વાતો શરૂ થઈ પછી બંને એકબીજા સાથે કનેક્ટ થયા હતા. પણ હા, આજે તેઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. મિનિષા અને આકાશને અહેસાસ થયો કે આજના સમયમાં ભવિષ્યનું તો છોડો અત્યારે જ જીવન અનિશ્ચિત છે. ત્યારે તેઓ એકબીજા સાથે રહીને બને તેટલા ખુશ રહેવા માગે છે. આકાશ અને મિનિષા હાલ ગોવાામાં રજાઓ માણી રહ્યા છે. આકાશ દિલ્હીનો બિઝનેસમેન છે
તેનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. ૨૦૦૫માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી મિનિષા છેલ્લે ૨૦૧૭માં આવેલી ફિલ્મ ભૂમિમાં જાેવા મળી હતી. આ સિવાય મિનિષાએ ‘તેનાલી રામા, ઈન્ટરનેટવાલા લવ’, ‘બિગ બોસ ૮’, ‘છૂના હૈ આસમાન’ વગેરે જેવી સીરિયલોમાં પણ કામ કર્યું છે. મિનિષાએ ૨૦૧૫માં રાયન થામ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ૨૦૨૦માં તેમના છૂટાછેડા થઈ ગયા. અગાઉ મિનિષા લાંબાએ વાતચીતમાં કહ્યું હતું, રાયન અને મેં સમજૂતીથી સંબંધોનો અંત આણ્યો છે. કાયદાકીય રીતે પણ અમે છૂટા પડી ગયા છીએ.” ઉલ્લેખનીય છે કે, મિનિષા અને રાયનની મુલાકાત ૨૦૧૩માં મુંબઈના જૂહુમાં એક ક્લબમાં થઈ હતી. જે બાદ બંનેએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.