અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ નટખટ ઓસ્કરની રેસમાં
મુંબઈ: વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ નટખટ ઓસ્કરની રેસમાં પહોંચી છે. આ ફિલ્મને ભારતની સાથે જ ઈન્ટરનેશનલ ઓડિયન્સે પણ ખૂબ જ પસંદ કરી છે. આ ફિલ્મ ગત વર્ષે યુ ટ્યૂબ પર રીલિઝ કરવામાં આવી હતી જ્યારે કોરોના વાયરસ મહામારીના કારણે થિયેટર બંધ હતાં. નટખટને ઓસ્કર ૨૦૨૧માં બેસ્ટ શોર્ટ ફિલ્મ કેટેગરીની રેસમાં સામેલ કરવામાં આવી છે.
આ ન્યૂઝ સામે આવ્યા પછી વિદ્યા બાલન અને ફિલ્મની ટીમ ખુશીથી સાતમા આસમાને છે. એક્ટ્રેસે ફિલ્મની એક નાની ક્લિપ શેર કરી જે નટખટની સ્ટોરી દર્શાવે છે. વિડીયોમાં જાેવા મળે છે કે વિદ્યા પોતાના બાળકના માથાની માલિશ કરી રહી છે અને તેની સાથે વાતચીત કરી રહી છે. માસૂમિયત સાથે શરુ થયેલી વાતચીત ટૂંક સમયમાં જ એક વિચિત્ર અને ચિંતાજનક સ્થિતિ બની જાય છે. બાળક એવું કહે છે કે છોકરીને પાઠ ભણાવવા માટે જંગલમાં છોડીને આવતું રહેવું જાેઈએ.
આ વાત સાંભળીને વિદ્યા ચિંતામાં પડી જાય છે અને વિચારવા લાગે છે. આ પહેલા વિદ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યુ હતું. જેની સાથે તેણે લખ્યું હતું કે, એ જાેઈને ખૂબ જ વધારે રોમાંચિત છું કે નટખટ ઓસ્કર ૨૦૨૧ની રેસમાં આવી ગઈ છે. આ શોર્ટ ફિલ્મમાં લૈંગિક સમાનતાના નાજુક વિષયને દર્શકો વચ્ચે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મના ડિરેક્ટર શાન વ્યાસ છે અને તેના પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા છે. ફિલ્મ ૨ જૂન ૨૦૨૦ના રોજ ઓનલાઈન રીલિઝ કરવામાં આવશે.