અભિષેકેે ટિ્વટરથી લોકોને વર્ચ્યુઅલ આલિંગન મોકલ્યા
મુંબઈ: બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન પોતાના મજબૂત મંતવ્યો અને ટ્રોલર્સને સારી ભાષામાં જવાબ આપવા માટે જાણીતો છે. પોતાના માટે નફરતપૂર્ણ શબ્દો વાપરતાં લોકોને પણ કેવી રીતે વિનમ્રતાથી જવાબ આપી શકાય તે અભિષેક સારી રીતે જાણે છે. હાલમાં જ ફરી એકવાર અભિષેક બચ્ચન ટ્રોલરના નિશાને આવ્યો હતો અને તેણે આવી જ નમ્રતા બતાવીને સારા શબ્દોમાં જવાબ આપ્યો હતો. દેશ હાલ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે અભિષેક બચ્ચને ટિ્વટ કરીને લોકોને વર્ચ્યુઅલ આલિંગન મોકલ્યા હતા. આ ઉદાસીન વાતાવરણમાં અભિષેકે શબ્દો દ્વારા લોકોમાં હકારાત્મકતા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ટિ્વટમાં લખ્યું હતું, “તમને સૌને વર્ચ્યુઅલ આલિંગન મોકલી રહ્યો છું.
રિટિ્વટ કરો અને પ્રેમનો ફેલાવો કરો. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં આપણને સૌને હૂંફની જરૂર છે. આ નોટ સાથે અભિષેકે માસ્ક પહેરવાની સલાહ પણ આપી હતી. ઘણાં લોકોને અભિષેકના આ શબ્દો અને તેનો પ્રયાસ પસંદ આવ્યો ત્યારે અમુક લોકોને આ વાત ગમી નહોતી. એક યૂઝરે અભિષેકની ટીકા કરતા લખ્યું, “કાશ, તમે લોકોને આલિંગન મોકલવાથી વધારે કંઈ કર્યું હોત. લોકો ઓક્સિજન અને બેડની સુવિધાના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. માત્ર આલિંગન પૂરતા નથી,
સર. આ ટિ્વટનો જવાબ આપતાં અભિષેકે લખ્યું, હું કરી રહ્યો છું મેડમ. હું સોશિયલ મીડિયા પર નથી મૂકતો એનો અર્થ એ નથી કે હું કોઈ પ્રયત્ન નથી કરી રહ્યો. આપણે સૌ જે કંઈ પણ મદદ કરી શકીએ તેના માટે પ્રયત્નશીલ છીએ. આ પરિસ્થિતિ ખૂબ ઉદાસીન છે ત્યારે મને લાગ્યું કે થોડો પ્રેમ અને હકારાત્મકતા વહેંચવાથી મદદ મળશે. દેશમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે.
લોકોને બેડ, ઓક્સિજન સિલિન્ડર અને દવાઓ માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે. ઓક્સિજન કે દવાના અભાવે કોરોનાના ઘણાં દર્દીઓએ દમ તોડ્યો છે. ત્યારે કેટલાક સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા દ્વારા ઓક્સિજન, દવાઓ કે ખાલી બેડ ક્યાં મળી રહેશે તેની માહિતી શેર કરી રહ્યા છે.