Western Times News

Gujarati News

ગુજરાતી દિગ્દર્શક અભિષેક દુધૈયાની દેશભક્તિ દર્શાવતી ફિલ્મ “ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા”

દિગ્દર્શક અભિષેક દુધૈયાની અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ રિલીઝ

અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, ઓમી વિર્ક, શરદ કેલકર, ઇહાના ઢિલ્લોં, પ્રણિતા સુભાષ સહિત અનેક દિગ્ગજ કલાકારો દ્વારા અભિનીત ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા 13 ઓગસ્ટ 2021ના ડિઝની હૉટસ્ટાર પર રિલીઝ થઈ. જેને ટી સિરીઝ અને અજય દેવગણ ફિલ્મ્સે પ્રસ્તુત કરી છે.

જેના નિર્માતા છે ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, ગિન્ની ખાનૂજા, વજીર સિંહ, બન્ની સંઘવી અને અભિષેક દુધૈયા. આ ફિલ્મના સહ નિર્માતા, લેખક અને દિગ્દર્શક અભિષેક દુધૈયા છે.

આ અગાઉ અભિષેક દુધૈયા ગુજરાતના અંજાર, રાપર, જામનગર વગેરે શહેરોમાં અભ્યાસ પૂરો કરી મુંબઈ આવ્યા અને મુકુલ એસ. આનંદની ફિલ્મ ત્રિમૂર્તિ, રમણ કુમારની ફિલ્મ રાજા ભૈયા, વાહ વાહ રામજી, સરહદ પારમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું.

ઉપરાંત તારા, સંસાર, દીવાર, સુહાગ, એહસાસ, અગ્નિપથ, સિંદૂર તેરે નામ કા, લાઇફ કા રીચાર્જ વગેરેનું દિગ્દર્શન કર્યું હતું. દિગ્દર્શક તરીકે તેમની પહેલી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા ભારતના 1971ના યુદ્ધની એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણે સ્ક્વૉડ્રન લીડર વિજય કુમાર કર્ણિકનું પાત્ર ભજવ્યું છે,

જે એ સમયે ભુજ અરબેઝના ઇન્ચાર્જ હતા અને તેમને હીરો માનવામાં આવે છે. એ અંગે અજય દેવગણે કહ્યું કે, જ્યારે વિંગ કમાન્ડર વિજય કર્ણિકને પૂછવામાં આવ્યું કે તેમણે ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાને તેમની મંજૂરી શું કામ આપી? વિજય કર્ણિકે જણાવ્યું કે દિગ્દર્શક અભિષેક દુધૈયા આ ઘટના પર એક ફિલ્મ બનાવવા માગે છે,

તો તેમણે મને કહ્યું કે આ અંગે ઘણું સંશોધન કર્યુ છે અને ટીમે માધાપરની 50- 0 મહિલાઓ સાથે વાત પણ કરી છે, એટલું જ નહીં, અભિષેકની નાની પણ રનવે બનાવવાવાળી મહિલાઓમાં સામેલ હતી. ત્યારે મેં આ પ્રોજેક્ટને મંજૂરી આપવાનો નિર્ણય લીધો અને મેં આ ફિલ્મ કરી.

ફિલ્મ ભુજ : પ્રાઇડ ઑફ ઇન્ડિયાના દિગ્દર્શક અભિષેક દુધૈયા સાથે કરેલી વાતચીતના મુખ્ય અંશ :

તમારી પહેલી ફિલ્મમાં જ આટલા દિગ્ગજ કલાકારો સાથે પૂરી થઈ અને રિલીઝ થઈ, તમને કેવી લાગણી થઈ રહી છે?

ઘણું સારૂં લાગી રહ્યું છે. તેમની સાથે કામ કરવાની મજા જ કંઈ ઓર છે. તમામ કલાકારોએ ઘણો સહયોગ આપ્યો. સૌથી વધુ સપોર્ટ અજય દેવગણનો રહ્યો. કારણ, પૂરી ફિલ્મ એમના પર જ, એટલે કે સ્ક્વૉડ્રન લીડર વિજય કુમાર કર્ણિક જેઓ અમારી ફિલ્મના સ્ટાર છે અને એ ભૂમિકા અજય દેવગણે બખૂબી નિભાવી છે.

ફિલ્મનો વિષય શું છે?

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન ગુજરાતના ભુજ અરબેઝના રનવેને પાક સેનાએ બૉમ્બમારો કરી નાશ કરી નાખ્યો હતો. એ વખતે ભુજ અરબેઝના તત્કાલીન પ્રભારી આઈએએફ સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિક અને તેમની ટીમે ગુજરાતના માધાપર અને એની આસપાસના ગામોની 300 મહિલાઓની સહાય વડે વાયુસેનાના ઍરબેઝનું પુન: નિર્માણ કર્યુ હતું. આ બાબત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

આ યુદ્ધમાં સેના અને આમ જનતાની ભાગીદારી હતી અને ગામની 300 મહિલાઓની શૌર્યગાથા હતી.

એમાંના એક મારાં નાની લક્ષ્મી પરમાર પણ હતાં. જેમનું ભુજ અરબેઝનો રનવે બનાવવમાં યોગદાન રહ્યું હતું. નાનો હતો ત્યારે તેઓ આ વાતનો ઉલ્લેખ મારી સમક્ષ ઘણી વાર કરતા.

બસ, આ વાત મારા મનમાં ઘુમરાયા કરતી અને આખરે એના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ માટે ત્યાંની ડઝનો મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ વિજય કર્ણિક સાથે ચર્ચા કરી. લાંબો સમય રિસર્ચ કર્યા બાદ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી. જે રિલીઝ થઈ અને દર્શકોને પસંદ પડી રહી છે.

આપની આવનારી ફિલ્મ કઈ છે?

હું શૌર્યચક્ર વિજેતા સરદાર બાના સિંહની બાયોપિક બનાવી રહ્યો છું. જેના પર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આપને એના વિશેની જાણકારી આપીશ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.