અભ્યાસની ચિંતામાં ધો.૧૦-૧૨ના બે વિદ્યાર્થીનો આપઘાત
સુરત: શહેરમાં વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં ઓનલાઇન અભ્યાસમાં પડતી મુશ્કેલી અને અભ્યાસને કારણે માનસિક ચિંતાને કારણે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના બે વિદ્યાર્થીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે બે અલગ બનેલા બનાવ અંગે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે. સુરતમાં કોરોના મહામારી વચ્ચે સતત આપઘાતની ઘટના સામે આવી છે. લૉકડાઉનને પગલે સ્કૂલો બંધ હોવાથી હાલ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે આપઘાતના બે બનાવ સામે આવ્યા છે.
પહેલા બનાવની વિગત જોઈએ તો સુરતના સચિન જીઆઈડીસી કનાસડ ગામ ખાતે આવેલી ગોકુલધામ રેસિડેન્સી ખાતે રહેતા અજીતસિંગ ડાઈંગ મિલમાં નોકરી કરે છે. તેમનો પુત્ર અમનસિંગ ધોરણ-૧૦ અભ્યાસ કરતા હતો.
હાલ સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસ કરતો હતો. સોમવારે અજીતસિંગ નોકરી પર ગયા હતા અને તેમની પત્ની ટ્યુશન ક્લાસમાં હતાં ત્યારે ઘરે એકલા હાજર રહેલા અમનસિંગે બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રના આ પગલાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પરિવારનું કહેવું છે કે તેમનો પુત્ર ઓનલાઇન અભ્યાસને લઈને છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણ અનુભવતો હતો અને આ જ કારણે તેણે આવું પગલું ભર્યું છે.
બીજી તરફ નજીકના સમયમાં પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી વિદ્યાર્થીએ ચિંતામાં આવીને આવું પગલું ભર્યું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. બીજા એક બનાવમાં સુરતના ડુંભાલમાં આવેલી પુણા કુભારીયા ગ્રુપ ઑફ કૉપરેટીવ સોસાયટીમાં રહેતા અમીષ વસાવાના ધોરણ-૧૨મા અભ્યાસ કરતા પુત્ર જાગૃતે આપઘાત કરી લીધો છે.
પુત્ર તાપી જિલ્લાના સોનગઢ ખાતેના વતનમાં અભ્યાસ કરતો હતો. જોકે, કોરોના મહામારી વચ્ચે યુવાન માતાપિતા સાથે સુરત ખાતે રહેવા આવી ગયો હતો.
કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન અભ્યાસ હોવાને લઈને સતત માનસિક તાણમાં રહેતા યુવાને ગતરોજ આવેશમાં આવીને ઘરના છતના લાકડાના એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મામલે પુના પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.