Western Times News

Gujarati News

અમદાવાદઃ આસી. મ્યુનિ. કમિશનરની ભરતીમાં વ્યાપક ગેરરીતિ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં આસી. મ્યુનિ કમિશનર ની ૨૫ જગ્યા ભરવા માટે થઈ રહેલી ભરતી માં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે.તેમજ મ્યુનિસિપલ શાસકો શરૂઆતથી જ આસી. મ્યુનિ. કમિશનરની જગ્યા ભરવામાં પરદર્શીતાનો છેદ ઉડાડી દીધો છે. તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોંગ્રેસપક્ષના નેતા દિનેશભાઇ શર્મા એ આ અંગે તીવ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ૧લી નવેમ્બરે આસી. મ્યુ. કમિશનરની જગ્યા ભરવા માટે ઇન્ટરવ્યૂ રાખ્યા હતા પણ આજદિન સુધી લેખિત પરીક્ષાનું મેરીટ જાહેર કરાયુ નથી. ૨૫ જગ્યા ભરવા માટે લેખિત પરીક્ષા લેવાઈ તો તમામ ઉમેદવારોના નામ અને માર્ક્સ જાહેર કરાયા નથી.

જે ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા તેઓના નામ અને માર્ક્સ જાહેર કરાયા નથી. આ અંગે અમે સામાન્ય સભામાં માંગ કરી હતી પણ ઈન્ટરવ્યૂ ગોઠવી દેવાયા પણ ઉમેદવારોના નામ અને માર્ક્સ અને મેરીટ જાહેર કરાયુ નથી. આ સ્પષ્ટ દેખાય છે કે, શાસકો પોતના મળતીયાને આસી. કમિશનર તરીકે ગોઠવવા માટે ખેલ કરી રહ્યા છે જેથી જ ભરતીમાં શરૂઆતથી જ પારદર્શિતા રખાઈ નથી. અમારી વારંવાર માગણી છતાં મેરીટ જાહેર કરાયુ નથી.

ઉપરાંત યુપીએસી કે જીપીએસસી પણ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાખે છે પણ ક્યારેય ઇન્ટરવ્યૂમાં ક્વોલિફાઇ માર્કસની શરત હોતી નથી  પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આસી. મ્યુ. કમિશનરની જગ્યા માટે ૨૦ માર્ક્સ ઈન્ટરવ્યૂના રાખ્યા છે જેમાં મિનિમમ ૪ માર્ક્સ લાવવા ફરજીયાત છે. આ નિયમ કુદરતી ન્યાયના સિદ્ધાંત અને કાયદાની વિરુદ્ધ છે.

જેના લેખિતમાં સૌથી વધુ માર્ક્સ હોય તેવા ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં નાપાસ કરી મળતીયાને ગોઠવી દેવાશે. આ ભરતી પ્રક્રિયા ઉપર અમને જરાય ભરોસો નથી. જેથી, સત્તાની રુએ જ્યારે સ્ટાફ સિલેકશન કમિટીમાં કામ મુકાશે તો અમે વિરોધ કરીશું.. અમારી સ્પષ્ટ માગણી છે કે, આ ભરતી રદ કરવામાં આવે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ છેલ્લા બે વર્ષમાં એકપણ ભરતી પારદર્શિતાથી કરી નથી. આ પહેલા સિનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ હતી જેમાં ફિક્સ કે કોન્ટ્રાક્ટ પર સરકારમાં કામ કરતા કર્મચારીઓનો અનુભવ ગણી તેમના ડોક્યુમેન્ટ વેરીફાઇવ કર્યા અને મેરીટ બનાવ્યું પછી છેલ્લી ઘડીએ તેઓને રિજેક્ટ કરતા વિવાદ થયો હતો.

ટીડીઓ ઇન્સપેક્ટરની જગ્યા ભરવા માટે પરીક્ષાની જવાબદારી એલ.ડી. ઇજનેરી કોલેજને સોંપાઈ અને કોલેજના પ્રિન્સિપાલની દીકરી પ્રથમ નંબરે આવી હતી અને વિવાદ થયો હતો. આ પરીક્ષામાં સેટિંગ પડ્‌યું હતું. આ પહેલા ફાયર ડિવિજનલ ઓફિસરની જગ્યા ભરવા માટે પ્રક્રિયા કરાઈ હતી

જેમાં સુરતની તક્ષશિલા અગ્નિકાંડના આરોપી ઓફિસરે કોર્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે, આગની ઘટનાની તપાસ કરવા આવેલી કમિટીમાં અમદાવાદ મ્યુનિ. ફાયરના અધિકારી હતા અને તેમનો દીકરો પહેલા નંબરે ડિવિઝનલ ઓફિસર સિલેક્ટ થાય એ માટે તેને ફસાવવામાં આવ્યો છે.

આથી ભરતી રદ કરી હતી. ફાયર સ્ટેશન ઓફિસરની જગા ભરાઈ તો એક જ સમાજના વધુ ઉમેદવાર પસંદ કરાયાની ફરિયાદો ઉઠી હતી. આ પહેલા સ્કૂલ બોર્ડમાં સુપરવાઈઝર અને આસી. એ.ઓ.ની પરીક્ષા લેવાઈ હતી તો પ્રશ્નપત્રમાં ભૂલો હતી જેથી પરીક્ષા રદ કરાઈ હતી પછી ફરી પરીક્ષા લેવાઈ જેમાં પણ પૈસાની લેતી-દેતીના આક્ષેપ સાથે મુખ્યમંત્રી સુધી ફરિયાદો થઈ હતી.

આ સિવાય ફાયરમેનની ભરતીમાં એક જ ગામના ઉમેદવારો પસંદ કરાયાનો આક્ષેપ થયો હતો. આમ  નિ.કોર્પોરેશનમાં ભરતી એ ભ્રષ્ટાચારનું માધ્યમ બની છે. ઔડામાં ડેપ્યુટેશન ઉપર અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા આસી. ટીડીઓને રાતોરાત ગેરકાયદે કાયમી કરી દેવાયા હતા. આવા કેટલાય કારસ્તાન કરાયા છે.

જેથી અમારી વારંવાર માગ રહી છે કે, પ્રામાણિકતાથી ભરતી પ્રક્રિયા થાય પણ શાસકો સત્તાના નશામાં ચૂર છે જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. તાકીદે આસિ. મ્યુનિ.કમિશનરની ભરતી રદ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.