અમદાવાદઃ જનમાર્ગના કોરીડોર દુર કરવામાં આવશે
ટ્રાફિક સમસ્યા-દબાણને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સરકારની ગ્રાન્ટથી તૈયાર અને કાર્યરત કરવામાં આવેલ જનમાર્ગ પ્રોજેકટ લગભગ નિષ્ફળ સાબિત થયો છે. પ્રોજેકટના કન્સટન્ટ અને શાસકોની અણઆવડતના કારણે જનમાર્ગના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. તથા અનેક વિસ્તારોમાં જનમાર્ગ કોરીડોરના વિવિધ ઉપયોગ પણ થઈ રહયા છે. કોટ વિસ્તારમાં જનમાર્ગના કારણે નાગરીકો ત્રાહીમામ થઈ ગયા છે.
સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો એ કોરીડોર દુર કરવા માટે અનેક વખત રજુઆતો પણ કરી છે. હંમેશા પોતાનો જ “કકકો” સાચો સાબિત કરવા મથતા શાસકોએ કોગ્રેસની સાથે-સાથે ભાજપના કોર્પોરેટરોની પણ વાત માની ન હતી. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીના પડઘમ વાગી રહયા શાસકો નમતુ જોખવા તૈયાર થયા છે. તેમજ જાહેરના કેટલાક વિસ્તારોમાંથી કોરીડોર દુર કરવા માટે નિર્ણય કર્યો છે !
શહેરની જાહેર પરિવહન સેવા અપગ્રેડ કરવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાના કારણો દર્શાવી ભાજપના શાસકોએ ર૦૦૬ના વર્ષમાં જનમાર્ગ પ્રોજેકટને મંજૂર કર્યા હતો. મ્યુનિ.શાસકો તે સમયે અગમ્ય કારણોસર સ્ટેન્ડીંગ કમીટીમાં તાકીદનું કામ લાવીને પ્રોજેકટને મંજૂરી આપી હતી. જનમાર્ગ પ્રોજેકટને શરૂ કરતા પહેલા તત્કાલીન હોદેદારો અને અધિકારીઓએ વારાફરતી વિદેશયાત્રાઓ પણ કરી હતી.
સેપ્ટના શિવાનંદ સ્વામીની સલાહ મુજબ આંખ મીચી ને કામ કરતા શાસકોએ જનમાર્ગ પ્રોજેકટ માટે રૂપિયાનો ધુમાડો કરવામાં પાછીપાની કરી ન હતી. તથા બસ શેલ્ટર્સ દીઠ રૂ. એક-એક કરોડ ચુકવ્યા છે.
સાથે-સાથે સેપ્ટના “સ્વામી” ને પણ શેલ્ટર્સ દીટ કન્સલ્ટીંગ ફી ચુકવીને “સ્વામી”ને પણ કરોડપતિ બનવામાં સહયોગ આપ્યો હતો. જનમાર્ગના મુળ પ્રોજેકટમાં ગ્રાઉટીંગ કરી, જમીન લેવલથી ત્રણ ઈંચ ઉપર રોડ તૈયાર કરવા સાયકલ ટ્રેક બનાવવા, વરસાદી પાણી નિકાલ સીસ્ટમ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તદ્ઉપરાંત કોટ-વિસ્તારમાં જનમાર્ગ તૈયાર કરવાનો કોઈપણ ઉલ્લેખ મુળ ડીપીઆરમાં ન હતો. પરંતુ પ્રોજેકટની શરૂઆત થયા બાદ આરટીઓ-પીરાણા કોરીડોર જ મુળ ડીઝાઈન મુજબ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મ્યુનિ.શાસકો, અધિકારીઓ અને સેપ્ટના સ્વામીએ તેમની મરજી મુજબ પ્રોજેકટનું અમલીકરણ કર્યું હતું. જેના માઠા પરીણામ શહેરીજનો ભોગવી રહયા છે !
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જનમાર્ગ નો જે ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં મીક્ષ ટ્રાફિકમાં બસ દોડાવવાનો કોઈ જ ઉલ્લેખ ન હતો તેમં છતાં મીક્ષ ટ્રાફિકમાં પણ બસો દોડી રહી છે. જનમાર્ગના કારણે નાગરીકો ત્રાહીમામ થઈ ગયા હોવાની ફરીયાદ ભાજપના જ કોર્પોરેટરો કરી રહયા છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં પણ આ મુદ્દે આક્રમક રજુઆતો થઈ છે.
જેના કારણે, જે વિસ્તારમાં કોરીડોરના કારણે ટ્રાફિક સમસ્યા થતી હોય તથા કોરીડોરનો અન્ય ઉપયોગ થતો હોય તે વિસ્તારમાંથી કોરીડોર દુર કરવા માટે વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ એસ.ટી.થી શાહઆલમ દરવાજા, તથા ઢોર બજારથી આંબેડકર બ્રીજ તથા ઓઢવ વિસ્તારમાં જનમાર્ગ કોરીડોરના કારણો સમસ્યા થતી હોવાની તથાકોરીડોર માં દબાણ થઈ રહયા હોવાની ફરીયાદો મળી રહી છે.
એસ.ટી.થી મજુરગામ ચાર રસ્તા સુધી સર્વીસ રોડ પર પણ દબાણ થાય છે. તેથી આ તમામ વિસ્તારોમાંથી કોરીડોર દુર કરવા માટે વિચારણા ચાલી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ માટે સર્વ થઈ શકે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ.સુત્રોએ જણાવ્યા મુજબ એસ.ટી.થી ભુલાભાઈ પાર્ક સુધી સર્વીસ રોડના નામે શૂન્ય બરાબર છે. મ્યુનિ.કોર્પોરેશને કોરીડોર તૈયાર કરતા સમયે દબાણો દૂર કર્યા ન હતા.
જયારે દાણીલીમડા શ્રી આંબેડકરબ્રીજ સુધીના રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી ભુવા પડી રહયા છે. જેના કારણો આ કોરીડોરનો ઉપયોગ બંધ છે. દિલ્હી દરવાજાથી પ્રેમદરવાજા સુધી પણ કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ બસ મીક્ષ ટ્રાફિકમાં દોડી રહી છે. જે વિસ્તારોમાં કોરીડોરના કારણે ટ્રાફિક થતા હોય, કોરીડોર માં દબાણ થતા હોય કે પછી બસને મીક્ષ ટ્રાફિકમાં દોડાવવાની ફરજ પડી રહી હોય તે વિસ્તારોમાંથી કોરીડોરને દૂર કરવામાં આવી શકે છે. કોટ વિસ્તારમાં પણ જનમાર્ગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.
સારંગપુરથી એલીસબ્રીજસુધી ટ્રાફિકજામની સ્થિતિ લગભગ કાયમી બની ગઈ છે. પીકઅવર્સમાં આ રોડ પરથી પસાર થવામાં એકથી દોઢ કલાકનો સમય લાગે છે. ભુતકાળમાં કાલુપુર બ્રીજથી આસ્ટોડીયા દરવાજા સુધીના ટ્રાફિક ને હળવો થવામાં બે -ત્રણ કલાક થયા હોવાના પણ બનાવ બન્યા છે.
મ્યુનિ.કોગ્રેસના પૂર્વનેતા બદરૂદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કોગ્રેસના પૂર્વનેતા સુરેન્દ્રબક્ષી સહીતના આગેવાનોએ કોટ વિસ્તારમાંથી જનમાર્ગ કોરીડોર દુર કરવા વારંવાર લેખીત-મૌખિક રજુઆતો કરી છે. જેનો હવે અમલ થાય તેમ લાગી રહયું હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.