અમદાવાદઃ પતિએ ચપ્પુની અણીએ પત્ની પાસે સુસાઇડ નોટ લખાવી લીધી
અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ કૉલેજકાળના મિત્ર આડા સંબંધ હોવાની શંકા રાખી પરિણીતાને માર માર્યો હતો. કૂતરાને ટ્રેન કરવાની સ્ટીકથી ફટકારતા મહિલા ગભરાઈ ગઈ હતી. આવેશમાં આવેલા પતિએ પત્ની પાસે પેટ પર ચપ્પુ રાખીને બળજબરીથી સુસાઇડ નોટ લખાવી હતી અને તેની તસવીરો તેને સસરાને મોકલી હતી. ગભરાયેલી મહિલા બીજા જ દિવસે પિયર આવી ગઈ હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
શહેરના અમરાઈવાડીમાં રહેતી ૩૫ વર્ષીય મહિલાના ૧૬ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. હાલ મહિલાને સંતાનમાં બે બાળકો છે. મહિલાના પતિ એકાઉન્ટન્ટનું કામકાજ કરે છે. લગ્ન બાદ મહિલા પતિ સાથે જૂનાગઢ અને બાદમાં મુંબઈ ખાતે રહેતી હતી. નાના કામમાં વાંક કાઢી તેનો પતિ છોકરાઓને બરાબર રાખતી નથી કહીને ઝગડા કરતો હતો અને મહિલાને માર પણ મારતો હતો. મહિલા પતિનો ત્રાસ સહન કરતી રહી હતી પરતું લગ્ન જીવન ન ભાંગે તેવું વિચારીને માતાપિતાને આ અંગે કંઈ જણાવતી ન હતી. જાેકે, ત્રાસ વધી જતા મહિલાએ માતાપિતાને જાણ કરી હતી.
થોડા દિવસ પહેલા મહિલાનો પતિ ઘરે આવ્યો અને અચાનક જ પત્નીને કહ્યું કે, તારે પ્રતીક સાથે આડા સંબંધ છે. ત્યારે મહિલાએ કહ્યું કે તે તેનો કોલેજકાળનો માત્ર મિત્ર છે અને પરિવારજનોને પણ મિત્રતા હોવાનો ખ્યાલ છે. આથી ખોટી શંકા ન કરશો. જેથી પતિ ઉગ્ર થઈ ગયો હતો અને મહિલાને ગળું પકડી, વાળ ખેંચી માર માર્યો હતો અને કૂતરાને ટ્રેન કરવાની સ્ટીકથી ફટકારી હતી.
બાદમાં મહિલાનો પતિ એટલો આવેશમાં આવી ગયો કે રસોડામાંથી ચપ્પુ લઈ આવી પેટ પર મૂકી પત્નીને સુસાઇડ નોટ લખવાનું કહ્યું હતું. મહિલા ગભરાઈ જતા ચપ્પાની અણીએ સુસાઇડ નોટ લખી હતી અને તેનો ફોટો પાડી તેના પતિએ સસરાને મોકલી દીધો હતો.બાદમાં કોઈનો ફોન આવતા પતિ મહિલાને રૂમમાં મૂકી બહાર ગયો હતો. બાદમાં બીજા દિવસે ડરી ગયેલી મહિલા પિયર દોડી આવી હતી. માતાપિતાને જાણ કર્યા બાદ મહિલાએ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.