અમદાવાદઃ મણીનગરમાં ફરજ બજાવતાં મહીલા કોન્સ્ટેબલનો કોહવાઈ ગયેલો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો
ખોખરા પોલીસે તપાસ શરૂ કરીઃ પરીવાર તથા પાડોશીઓની પુછપરછ શરૂ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા અને મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહીલા પોલીસ કોન્સ્ટેબલની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલે ગળેફાંસો ખાધા બાદ દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસ બોલાવી હતી.
જેણે તપાસ કરતાં કોહવાઈ ગયેલી લાશ મળી હતી. આ મામલે ખોખરા પોલીસે મૃતકના પરીવાર તથા પાડોશીઓની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તબકકે પોલીસને મહીલા કોન્સ્ટેબલને કોઈ મુશ્કેલી હોય તેવું સામે આવ્યું નથી.
આ ઘટનાની વિગત એવી છે કે મણીનગરમાં ગોરના કુવા નજીક કર્મભુમિ રો હાઉસ નામની સોસાયટી આવેલી છે જેમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહીલા કોન્સ્ટેબલ મનીષાબા રાજેન્દ્રસિંહ વાઘેલા રહેતા હતા. ૩૪ વર્ષીય મનીષાબાના બંધ ઘરમાંથી ખુબ જ દુર્ગંધ મારતા શુક્રવારે સોસાયટીના રહીશોએ ખોખરા પોલીસને જાણ કરતાં જ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દરવાજાે તોડીને અંદર પ્રવેશતાં જ અંદરનું દૃશ્ય જાેઈ તમામ ચોંકી ગયા હતા.
ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મનીષાબાનો મૃતદેહ મળી આવ્યો હતો જે કોહવાયેલી હાલતમાં હતો જેને પગલે મનીષાબાએ કોઈ કારણોસર થોડા દિવસો અગાઉ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. પોલીસે મનીષાબાના પરીવારને પણ તુરંત આ અંગેની જાણ કરતાં તે આવી પહોચ્યા હતા, પોલીસને હાલમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. જાેકે શી ટીમમાં ફરજ બજાવતા મનીષાબાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો એ જાણવા પાડોશીઓ, પરીવાર તથા તેમની સાથે કામ કરતા કર્મચારીઓની પણ પુછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસે આ અંગે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.