અમદાવાદઃ લીંબુની કિંમતોમાં વધારો યથાવત
અમદાવાદ, ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવ આભને આંબવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દાને લઈ અનેક પ્રકારની ટીખળો થઈ રહી છે. લીંબુ સફરજન કરતાં મોંઘા મળી રહ્યા હોવાથી લોકો ભાવવધારાને લઈ રમૂજ પણ કરી રહ્યા છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો ભાવવધારાના કારણે લીંબુની ડિમાન્ડમાં 35 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે ડિમાન્ડમાં આટલો મોટો ઘટાડો થવા છતાં પણ હોલસેલ અને છૂટક બજારમાં લીંબુની કિંમતોમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો.
શહેરના પશ્ચિમી વિસ્તારોમાં લીંબુની છૂટક કિંમત 360થી 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહી છે. જ્યારે હોલસેલ માર્કેટમાં લીંબુ 120થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે.
જમાલપુર APMC ખાતે હોલસેલ ડીલર ચિરાગ પ્રજાપતિએ વર્તમાન સ્થિતિ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, હાલ ગુજરાતમાંથી લીંબુનો ભાગ્યે જ કોઈ પુરવઠો માર્કેટમાં ઠલવાઈ રહ્યો છે અને રાજ્ય લીંબુ માટે દક્ષિણ ભારત પર નિર્ભર બન્યું છે.
હાલ દરરોજ 40 ટન જેટલો લીંબુનો જથ્થો આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી અમદાવાદ ઉતરી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, આ બંને રાજ્યો આખા દેશને લીંબુ પૂરા પાડી રહ્યા છે અને તેમ છતાં ત્યાં લીંબુ ખૂબ જ ઉંચી કિંમતે વેચાઈ રહ્યા છે. ત્યાંના APMCમાં લીંબુ 130થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટેશન માટે પ્રતિ કિલો 8 રૂપિયા અને દલાલી પેટે પ્રતિ કિલો 10 રૂપિયા ચુકવવા પડે છે.
વધુમાં જણાવ્યું કે, છૂટક વેચાણ કરતા વેપારીઓ સામાન્ય રીતે 50થી 60 કિલો લીંબુ ખરીદતા હતા પરંતુ ભાવવધારા બાદ ડિમાન્ડ ઘટવાથી તેઓ 35થી 40 કિલોનો ઓર્ડર કરી રહ્યા છે.