અમદાવાદઃ સાબરમતીમાં તરતી બોટીંગ લાયબ્રેરીનું નવું નજરાણું શહેરને ભેટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Book1-1024x513.jpg)
૮મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
દાણાપીઠ ખાતે તૈયાર થનાર મલ્ટીલેવલ કારપાર્કીંગ, ફાયરસ્ટેશન-સ્ટાફ કવાર્ટસનું ડિજિટલી ખાતમુહૂર્ત –પાંચ મેડિકલ વાનને પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. મિત્રો તો સ્વાર્થી હોઇ શકે પરંતુ પુસ્તક માનવીને હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગ માં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત ૮માં વર્ષે આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતાં કહ્યું કે, પરમાત્માનું સરનામુ આત્મા અને હ્દય છે તો સંસ્કૃતિનું સરનામુ પુસ્તક છે. શ્રી વિજયભાઇએ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોથી હોલીસ્ટીક લીટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ‘વાંચે ગુજરાત’ અભિયાનને આગળ ધપાવતા બુકેની જગ્યાએ બુકથી સન્માન કરવાની સત્કાર પરંપરા શરૂ કરી જન-જન સુધી વાંચનનો વિસ્તાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગાંધીજીએ રસ્કીનના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી. આમ, પુસ્તકો જ માનવીની પ્રગતિ માટે પ્રેરણારૂપ બની રહે છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રજાના મનના સુખ અને મનની પ્રફુલ્લિતતા તથા હેપીનેસ ઇન્ડેક્ષ વધારવા માટે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ સાથે પુસ્તક પરબ જેવા સંસ્કૃતિવર્ધક ઉપક્રમો દ્વારા શહેરીજનોના આનંદમાં વધારો થયો છે તેની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ફ્લોટીંગ લાયબ્રેરીનું નવું નજરાણું શહેરીજનોને ભેટ ધર્યું હતું. જેના દ્વારા શહેરના નાગરિકો રિવરફ્રન્ટની આહલાદકતા વચ્ચે પુસ્તક વાંચનનો આનંદ ઉઠાવી શકશે. તેમણે કહ્યું કે, ગુજરાતી તરીકેની આપણી સામાન્ય છાપ લક્ષ્મીના આરાધક તરીકે છે પરંતુ સતત આઠમા વર્ષે પુસ્તક મેળાના સફળ આયોજન દ્વારા અમદાવાદ નગરજનોએ સાબિત કર્યું છે કે, આપણે માત્ર લક્ષ્મીના આરાધક જ નથી પરંતુ સરસ્વતીના ઉપાસક પણ છીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલ કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાનો રોડમેપ તૈયાર થવા સાથે અમદાવાદ રહેવા અને માણવા લાયક શહેર બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રૂા.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થનાર દાણાપીઠ મલ્ટીલેવલ કાર પાર્કીંગ, ફાયર સ્ટેશન અને ફાયર કર્મચારીઓ માટેના સ્ટાફ કવાટર્સનું ડિજિટલી ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સ્લમ વિસ્તારના નાગરિકોની આરોગ્ય સેવા માટે રૂા. ૮૪.૪૦ લાખના ખર્ચની ૫ મોબાઇલ મેડિકલ વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે, પુસ્તક જ જ્ઞાનનો ફેલાવો કરી શકે છે. પુસ્તક તમારી પાસે હોય તો તમે એકલતા અનુભવી શકતા નથી. પુસ્તક શાંતિ અને શાતા આપે છે. મ્યુનિસિ૫લ કમિશનર શ્રી વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકા પાણી, રસ્તા, ગટર જેવી મુળભૂત સેવા ઉપરાંત પરિવહન, સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે પુસ્તક મેળા જેવી આનુષાંગીક સેવાઓ નગરજનોને પૂરી પાડે છે.
આ પુસ્તક મેળાના શુભારંભ પ્રસંગે ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનના કન્ટ્રી હેડ શ્રી જુન ઝેંગ, ધારાસભ્ય સર્વ શ્રી જગદીશભાઇ પંચાલ, રાકેશભાઇ શાહ, અરવિંદભાઇ પટેલ, પ્રદિપભાઇ પરમાર, સુરેશભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ડે. મેયર શ્રી દિનેશભાઇ મકવાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી અમૂલભાઇ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ તથા સાહિત્યપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.