Western Times News

Gujarati News

અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા પ્રવાસીઓ રઝળી પડ્યાં

Files Photo

રનવે ઉપરથી પ્લેનને પરત લાવી અઢી કલાક સુધી પ્રવાસીઓને પ્લેનમાં બેસાડી રખાતાં ભારે હોબાળો

અમદાવાદ: અમદાવાદનાં એરપોર્ટ ઉપર સતત ટ્રાફિક વધવા લાગ્યો છે. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ૨૪ કલાક ધમધમતાં હોય છે. આજે સવારે અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકઓફ કરવા માટે પેસેન્જર ભરીને રનવે સુધી આવી પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં એટીસીના સિગ્નલથી ટેકઓફ કરવાની તૈયારીમાં જ હતી ત્યાં યાંત્રિક ખામી સર્જાતા પ્લેનને પરત વાળી દેવામાં આવ્યો હતો અને પ્રવાસીઓને કોઈપણ જાતની જાણ કર્યા વગર પ્લેનમાં જ બેસાડી રાખવામાં આવતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. પ્રવાસીઓએ સ્પાઈસ જેટનાં અધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ વિમાની મથકેથી દેશભરના મોટાં શહેરોને સાંકળતી વિમાની સેવા ચાલી રહી હોવાથી ૨૪ કલાક પ્રવાસીઓનો ભારે ધસારો જાવા મળતો હોય છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ ભારે ધસારો હોય છે. રાત દિવસ પ્રવાસીઓથી ધમધમતાં અમદાવાદ હવાઈ મથક ઉપર ક્યારેક ટેકનિકલ ખામીથી કેટલીક એરલાઈન્સનાં વિમાનો મોડા પડતાં હોય છે. શિયાળાથી શરૂઆત થતાં જ વિઝિબિલીટીનો પ્રશ્ન પણ સર્જાતો હોય છે.

આજે સવારે છ વાગે અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પ્રવાસીઓ પ્લેનમાં બેસી ગયા હતાં અને પાઈલોટે પ્લેનને ટેકઓફ કરવા માટે રનવે સુધી પણ લાવી દીધો હતો. આ દરમ્યાનમાં જ અચાનક પ્લેનમાં યાંત્રિક ખામી સર્જાતાં પાઈલોટે પ્લેનને રનવે પરથી પરત વાળી દીધું હતું.

જેનાં કારણે પ્રવાસીઓમાં કચવાટ શરૂ થયો હતો. પ્લેનને પરત ટર્મિનલ સુધી લાવવામાં આવતાં પ્રવાસીઓએ કારણ જાણવા માટે પાઈલોટ તથા પ્લેનમાં હાજર એરલાઈનના સ્ટાફને પૂછ્યું હતું.

પરંતુ સ્ટાફ પણ આ બાબતે અજાણ હતો. આ દરમ્યાનમાં પ્રવાસીઓને પ્લેનમાં જ અઢી કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતાં. સમય જતાં અનેક પ્રવાસીઓનાં કામ ખારેવાઈ ગયા હતા.

નિયત સમયે ફ્લાઈટ નહીં ઉપડવાના કારણે પ્રવાસીઓમાં રોષ ફેલાયો હતો. અઢી કલાક જેટલો સમય જતાં પ્રવાસીઓની ધીરજ ખૂટી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેનાં પરીણામે વાતાવરણ પણ તંગ થઈ ગયું હતું.

સ્પાઈસ જેટની દિલ્હી જતી ફ્લાઈટ અઢી કલાક સુધી પડી રહેતાં પ્રવાસીઓએ સ્પાઈસ જેટનાં અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર આક્ષેપો કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.