અમદાવાદથી રાજકોટ હાઈસ્પિડ ટ્રેનની યોજના
ગાંધીનગર: દેશમાં પહેલી બુલેટ ટ્રેનનું કામ શરુ થઈ ચૂક્યું છે ત્યારે કેટલાક રુટ્સ પર સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ-રાજકોટ રુટનો પણ સમાવેશ થાય છે. આ મામલે આજે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે સીએમ વિજય રુપાણીની બેઠક થઈ હતી. જેમાં અમદાવાદ સાથે સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના ૧૧ જિલ્લાને સાંકળવા માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રેલવે મંત્રીએ ખાસ રસ દાખવી તેમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.
અમદાવાદ-રાજકોટ વચ્ચે ૨૨૫ કિમી જેટલું અંતર થાય છે. સરકારનો પ્લાન આ રુટ પર ૨૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનો છે. જેનાથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનું અંતર માત્ર બે કલાક જેટલા ટૂંકા સમયમાં જ કાપી શકાશે. હાલ બંને શહેરો વચ્ચે ચાલતી એક્સપ્રેસ ટ્રેન પણ અમદાવાદથી રાજકોટ જવામાં ચાર કલાક જેટલો સમય લે છે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટના ડીપીઆર વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને દિલ્હી મોકલી આપવામાં આવ્યા છે અને તે હાલ નિર્ણાયક આખરી તબક્કામાં પહોંચ્યો છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું કામ શરુ થઈ ચૂક્યું છે ત્યારે આ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે. આ સિવાય ગુજરાતના એકેય માર્ગ પર ક્યાંય રેલવે ફાટકને કારણે વાહનોને રાહ જાેઈ ઉભું ના રહેવું પડે તે માટે પણ ‘ફાટક મુક્ત ગુજરાત’ પર કામ ચાલુ છે. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને આજે રેલવે મંત્રી સાથે થયેલી મિટિંગમાં સીએમે રેલવે તરફથી મળેલા સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.