અમદાવાદથી વડોદરા અને ભરુચની એસટી સેવા બંધ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કોરોના પોતાનો અજગર ભરડો વધારી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૭૯ કેસ નોંધાયા છે. જેથી કુલ આંકડો પણ ૪૧૯૦૬એ પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. કોરોનાના વધતા કહેરને જોતા અમદાવાદથી વડોદરા વચ્ચેની એસટી બસ સેવાનું સંચાલન પણ બંધ કરવામાં આવ્યું છે.
અમદાવાદથી વડોદરા ઉપરાંત અમદાવાદથી ભરૂચ વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે કોરોનાના કહેરના કારણે એસટીમાં પણ ૧૦ વર્ષથી નીચેના અને ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.
આ ઉપરાંત હાલ એસટીનું સંચાલન પણ ૫૦% મુસાફરોને લઈને જ કરવામાં આવે છે. સુરતથી અમદાવાદ આવતા એક્સપ્રેસ વે પર પણ મુસાફરોનું ચેકિંગ ચાલું છે. મુસાફરોના ચેકિંગ દરમિયાન અનેક પોઝિટિવ મફ્રી આવ્યા હતાં. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સુરતમાં પણ કોરોનાનો પ્રકોપ ઉતરી આવ્યો છે. જેથી હીરાના કારખાનાઓ પણ બંધ હોવાથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ સૌરાષ્ટ્ર સહિત વતન પરત ફરી રહ્યાં છે.