અમદાવાદથી સુરત જતી એસ.ટી.બસ બંધ કરાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે
જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમાં સુરતમાંથી હિજરત શરૂ થતાં અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ સુરતથી આવતા તમામ નાગરિકોનું ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે બીજીબાજુ અમદાવાદથી સુરત જતી એસ.ટી. બસોને બંધ કરી દેવામાં આવી છે અને ખાનગી લકઝરી બસો ઉપર પણ પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બની ગયું છે ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખૂબજ ઝડપથી વધારો થઈ રહયો છે રાજય સરકારે અનલોક-ર માં છુટછાટો આપતા પરિસ્થિતિ વધુ વિકટ બનવા લાગી છે રાજયમાં સૌથી પહેલા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો હતો અને મુખ્ય હોટસ્પોટ પણ બની ગયું હતું જેના પરિણામે અમદાવાદમાં હોસ્પિટલોમાં બેડ પણ ભરાઈ ગયા હતા
જાેકે ત્યારબાદ અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટ ઘટાડી દેવામાં આવતા કેસનો આંકડો પણ ઘટવા લાગ્યો હતો કોર્પોરેશનની આ કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા ત્યારે બીજીબાજુ સુરત મ્યુનિ. કોર્પો. દ્વારા કોરોનાના દર્દીઓને શોધી કાઢી સમયસર સારવાર આપવા માટે ટેસ્ટીંગની કાર્યવાહીનો વ્યાપ વધારવા સાથે તેમાં ઝડપ લાવવામાં આવી હતી જેના પરિણામે સુરતમાં કોરોનાના કેસો વધવા લાગ્યા હતા જયારે અમદાવાદમાં ઘટવા લાગ્યા છે. સુરત શહેરમાં કોરોનાનું મૃત્યુ દર પણ ખૂબજ વધી રહયો છે
જેના પગલે છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે સમગ્ર શહેરમાં નાગરિકો ઘરની બહાર નીકળતા ડરવા લાગ્યા છે અને ધંધા રોજગાર પણ લગભગ બંધ થઈ ગયા છે આ પરિસ્થિતિમાં ફરી એક વખત સુરતમાંથી શ્રમિકોની હિજરત શરૂ થઈ ગઈ છે અને તે દેશભરમાં ફેલાવા લાગ્યા છે જે ખૂબજ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિ. કોર્પો.તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજયમાં પરિસ્થિતિ ધીમે ધીમે ખૂબજ વિકટ બનવા લાગી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ શહેરમાં પ્રવેશતા માર્ગો પર મેડિકલ ટીમોને તૈનાત કરી દીધી છે અને સુરતથી આવતા તમામ નાગરિકોનો ટેસ્ટ કરવામાં આવી રહયો છે અને જે કોઈને કોરોના પોઝીટીવ જણાય તે તમામને સુરત પરત મોકલી દેવામાં આવી રહયા છે. સુરતમાં પરિસ્થિતિ વિકટ બનવા લાગતા રાજય સરકાર પણ સતર્ક બની ગઈ છે અને સુરતમાંથી લોકો હિજરત કરવા લાગતા સુરત આવતી અને જતી તમામ એસ.ટી.બસોને બંધ કરી દેવામાં આવી છે જેના પગલે અમદાવાદથી સુરત આવતી જતી એસ.ટી.બસો આજ સવારથી જ બંધ કરી દેવાઈ છે. આ પરિસ્થિતિમાં ખાનગી લકઝરી બસોમાં લોકોનો ભારે ધસારો થવા લાગ્યો છે જેના પરિણામે ખાનગી લકઝરી બસો પર પણ પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી છે અને આજ સાંજ સુધીમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી સંપૂર્ણ શક્યતા છે.
સુરતથી ખાનગી વાહનોમાં પણ લોકો અમદાવાદ સહિત રાજયભરમાં જવા લાગ્યા છે જેના પરિણામે અમદાવાદમાં પ્રવેશતા સુરતથી આવેલા ખાનગી વાહનોનું પણ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં પ્રવેશતા માર્ગો પર વધુ ટીમો તૈનાત કરાઈ છે.