અમદાવાદથી હજયાત્રા માટેની પ્રથમ ફલાઈટ ૧૭મી જૂન થી શરૂ થશે
૧૯મી મે સુધી પ્રથમ બેલેન્સ એમાઉન્ટ રૂા.૧,ર૦,૦૦૦ ભરવાના રહેશે
(એજન્સી)અમદાવાદ, હજયાત્રા ર૦રરમાટે અમદાવાદથી પ્રથમ ફલાઈટ આગામી ૧૭-૬-ર૦રર થી શરૂ થશે. અમદાવાદ એરપોર્ટથી ૧૭મી જુનથી ફલાઈટ શરૂ થયા બાદ છેલ્લી ફલાઈટ ત્રીજી જુલાઈના રોજ ઉડાન ભરશે. આ ફલાઈટો સઉદી અરેબીયાના જીદાહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે.
જીદાહથી હજયાત્રીઓનો મકકા લઈ જવામાં આવશે. જયારે મદીનાથી અમદાવાદ માટેની રીટર્ન ફલાઈટ ર૪-૭-ર૦રરથી શરૂ થશે અને ૧૩-૮-ર૦રર સુધી આ ફલાઈટો ચાલુ રહેશે, એમ હજ કમીટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
હજ કમીટી ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, હજ કમીટી તરફથી હજયાત્રા માટે જનારા તમામ યાત્રીઓને સ્ટાન્ડર્ડ સાઈઝની બેગ તેમના સરનામા પર મોકલી આપવામાં આવશે. અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, હજયાત્રા ર૦રર માટે જનારા યાત્રીઓએ પ્રથમ બેલેન્સ એમાઉન્ટની રકમ રૂા.૧,ર૦,૦૦૦ ભરવાની રહેશે
જેની અંતિમ તા.૧૯-પ-ર૦રર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે બે વર્ષ બાદ આ વર્ષે કોવિડ-૧૯ નિયંત્રણો સાથે હજયાત્રા ર૦રર યોજાશે. હજયાત્રીઓને ફરજીયાત કોરોના રસીકરણ સહીત સઉદી અરેબીયા દ્વારા જારી કરવામાં આવેલા કોવિડ-૧૯ના નિયંત્રણોનું પણ ફરજીયાત પાલન કરવાનું રહેશે.
ગત બીજી મેના રોજ હજ હાઉસ અમદાવાદ ખાતે હજની અરજીઓની કુરાહ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. કુલ ૭ર૩૯ અરજીઓમાંથી રપ૩૩ અરજદારોને રેન્ડમ ડ્રો પદ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કુર્રાહમાં પસંદગી પામેલા તમામ અરજદારોને છઠ્ઠી મે સુધી તમામ જરૂરી ડોકયુમેન્ટ જમા કરાવવાનું જણાવાવમાં આવ્યું હતું.