અમદાવાદથી ૪૦૦ જાનૈયા સાથે જાન વલસાડ પહોંચી
વલસાડ: રાજ્યમાં હાલ કોરોનાની બીજા લહેર ચાલી રહી છે ત્યારે સરકારે લગ્ન અને મૃત્યુ પ્રસંગે હાજર રહેનાર લોકોની સંખ્યા ઘટાડી દીધી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
હાલ પોલીસ લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકોને મંજૂરી આપે છે. આ દરમિયાન વલસાડના પારડીના એક ગામ ખાતે યોજાયેલા એક લગ્ન સમારંભમાં કોરોના ફ્લાઇટ સ્ક્વૉડે આયોજકને દંડ ફટકાર્યો હોવાની વિગત સામે આવી છે.
વલસાડના સાંઢપોર ગામ ખાતે અમદાવાદથી એક જાનમાં ૪૦૦ લોકો આવી પહોંચ્યા હતા. જે બાદમાં તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. લગ્નમાં ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું ન હતું. મળતી માહિતી પ્રમાણે વલસાડના સાંઢપોર ગામ ખાતે આ બનાવ બન્યો હતો.
અહીં મોડી રાત્રે એક જાન અમદાવાદથી આવી પહોંચી હતી. જાનમાં ૪૦૦થી વધારે લોકો આવતા તંત્રએ કાર્યવાહી કરી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિયમ સંખ્યા કરતા વધારે એકઠા થવા મામલે કોરોના ફ્લાઇંગ સ્ક્વૉડે કાર્યવાહી કરી હતી.
ફ્લાઇંગ સ્ક્વૉડ તરફથી લગ્નના આયોજકને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે ત્યારે આ તમામ લોકો રાત્રે કેવી રીતે અહીં આવી પહોંચ્યા હતા તે પણ એક સવાલ છે.
આ બનાવ ધ્યાને આવ્યા બાદ કોરના ફ્લાઇંગ સ્ક્વૉડે પોલીસને પણ જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ સરકારે તાબડતોબ લગ્ન પ્રસંગમાં ૨૦૦ લોકોની મંજૂરી પરત લેતા ફક્ત ૧૦૦ લોકોને મંજૂરી આપી હતી. સરકારના આવા નિયમથી જે લોકોએ લગ્નના આમંત્રણ કાર્ડ વહેંચી દીધા છે
તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ગુજરાતમાં ફરીથી લૉકડાઉન કે પછી કર્ફ્યૂ લગાવવાની સંભાવના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી છે. ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, “હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે.
કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે.