અમદાવાદના આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યુ
થલતેજમાં ક્લેક્ટર અને પોલીસની હાજરીમાં ડિમોલિશન
વહીવટી તંત્રએ સરકારી જમીન પર બનેલા ગેરકાયદે મકાન અને ધંધાકીય એકમો હટાવ્યા
અમદાવાદ, અમદાવાદના થલતેજ વિસ્તારના PVR સિનેમા પાસે તંત્રએ ગેરકાયદે દબાણો પર ડિમોલિશનની કામગીરી કરી. વહીવટી તંત્રએ સરકારી જમીન પર બનેલા ગેરકાયદે મકાન અને ધંધાકીય એકમો હટાવ્યા. અમદાવાદના કલેક્ટર, કોર્પોરેશન અને પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૧૫૦૦થી ૧૭૦૦ ચોરસ મીટર જમીન પર દબાણો દૂર કરાયા.
અમદાવાદના પોશ થલતેજ વિસ્તારની અંદાજે ૫૦ કરોડની કિંમતની જમીન વહીવટી તંત્રએ કબ્જામાંથી મુક્ત કરી હતી.
ડિમોલિશનમાં આશરે ૧૦૦ પોલીસ, રેવન્યુ અને AMCનો સ્ટાફ જાેડાયો હતો. સરકારી જગ્યામાં ગેરકાયદે રીતે ૩થી૪ દુકાનો પણ ઉભી કરી દેવામાં આવી હતી.
જેને પણ તોડી પાડવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈને તમામ વિસ્તારને બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૦ વર્ષથી આ સરકારી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. જેમા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતા આ જગ્યા ખાલી કરી ન હતી. ત્યારે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે.