અમદાવાદના ઉદ્યોગપતિ ૧૦૦ કરોડમાં બંગલો વેચશે
ઉદ્યોગપતિ ઇસ્કોન-આંબલી રોડ પર આવેલો પોતાનો ૪૫૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર બનેલો બંગલો વેચશે
અમદાવાદ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા સોદામાં અમદાવાદ સતત આગળ વધી રહ્યું છે જેમાં શહેરના એક અગ્રણી ઉદ્યોગપતિ ૧૦૦ કરોડ રૂપિયામાં પોતાનો બંગલો વેચવા જઈ રહ્યા છે. રિયલ્ટીમાં સામાન્ય રીતે જમીનોના જંગી ભાવે સોદા થાય છે પરંતુ અહીં એક બંગલો એક અબજ રૂપિયામાં વેચાશે. અમદાવાદમાં સ્ટીલ સેક્ટર સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ ઇસ્કોન-આંબલી રોડ જેવા પોશ વિસ્તારમાં આવેલો પોતાનો બંગલો વેચી રહ્યા છે.
એક ડેવલપરે તાજેતરમાં જ આ બંગલો ખરીદવા ડીલ કરી છે. આ ભવ્ય બંગલો ૪૫૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર બનેલો છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં જમીનનો ભાવ વાર દીઠ બે લાખ રૂપિયા સુધી ચાલે છે. ઈસ્કોન-આંબલી રોડ અત્યારે અલ્ટ્રા લક્ઝરિયસ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ અને પ્રીમિયમ ઓફિસ સ્પેસ માટે જાણીતો છે. છેલ્લા એક વર્ષમાં આ પટ્ટા પર લગભગ ૧૫૦૦ કરોડની જમીનના સોદા થયા છે.
આ વિસ્તારમાં એક વર્ષની અંદર ૧.૮૦ લાખથી લઈને ૨.૭૦ લાખ રૂપિયા પ્રતિ યાર્ડના ભાવે ડીલ થઈ છે. માર્કેટના સૂત્રોએ જણાવ્યું કે આ બંગલોનો સોદો પણ આ રેન્જમાં થવાની શક્યતા છે. ઈસ્કોન આંબલી રોડ પર ડેવલપર્સને ૫.૪ની એફએસઆઈ મળે છે. સાણંદ અને ચાંગોદર જેવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો સાથે આ એરિયા બહુ સારી રીતે કનેક્ટેડ હોવાના કારણે અહીં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ડિમાન્ડમાં વધારો થયો છે.
આ રોડ પર ઘણા ઉદ્યોગપતિઓ અને એક્ઝિક્યુટિવ્સ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે કોમર્શિયલ પ્રોપર્ટી અને ઓફિસ સ્પેસ માટે આ એરિયામાં ઘણી ડિમાન્ડ જાેવા મળે છે. આ રોડ પર પ્રીમિયમ લક્ઝરી હાઈ રાઈઝ એપાર્ટમેન્ટ ઉપરાંત કોમર્શિયલ અને રિટેલ કોમ્પ્લેક્સ અને એક લક્ઝરી હોટેલ આવેલી છે. પોશ ક્લબ્સ પણ આ વિસ્તારની નજીક છે અને હાઈવે સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે.
કેટલાક જાણીતા ડેવલપર્સ આ એરિયામાં પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે કારણ કે અહીં અલ્ટ્રા-લક્ઝરિયસ મકાનોની સારી એવી ડિમાન્ડ છે.” સન બિલ્ડર્સ, સ્વાતિ બિલ્ડર્સ, ઇસ્કોન બિલ્ડર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પલક ગ્રૂપ, સંકલ્પ ગ્રૂપ વગેરે ડેવલપર્સે છેલ્લા એક વર્ષમાં આ રોડ આસપાસ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.ss2kp