અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર એએમસીની ટીમ તૈનાત
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે
અમદાવાદ, ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ ૯૦૦ કેસ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે બીજી તરફ અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ અમદાવાદમાં પોઝિટિવ કેસો સતત ઘટી રહ્યાં છે. આથી હવે ફરીથી શહેરમાં સંક્રમણ વધુ ના ફેલાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે.
ગુજરાતના અન્ય ભાગોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, પરંતુ અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ ૨૦૦ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ રહી છે.
આ સિવાય શહેરમાં પ્રવેશતા તમામ ખાનગી વાહનોનું પણ ખાસ ચેકિંગ અને સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જાે કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાય, તો તેમના શહેરમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રાણીપ અને ગીતા મંદિર એસટી બસ સ્ટેશન ખાતે પણ બહારથી શહેરમાં પ્રવેશતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
સ્વાસ્થ્ય કર્મચારીઓ અહીં બહારથી આવનારી બસોના મુસાફરોનો કોરોના ટેસ્ટ કરે છે. જાે તેમને રિપોર્ટ પોઝિટિવ આવે, તો તેમને હોમ ક્વોરેન્ટાઈન માટે કહેવામાં આવી છે. જ્યારે કેટલાકને હોસ્પિટલમાં પણ મોકલવામાં આવી રહ્યાં છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં અત્યાર સુધી ૨૩ હજારથી વધુ કોરોના સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણ ૧૫૦૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.