અમદાવાદના કિન્નરો પર ડભોઈમાં હુમલો કરી લૂંટ ચલાવાઈઃ મારી નાંખવાની ધમકી

યજમાનવૃત્તિમાં આવેલી રોકડ તથા ઘરેણાંની લૂંટ, ચાર કિન્નરોની સામે લૂંટ અને મારી નાંખવાની ધમકી આપી હોવાની નોંધવામાં આવી ફરિયાદ
વડોદરા, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વેગાની સીમમાંથી પસાર થઈ રહેલા અમદાવાદથી આવેલા કિન્નરોની રિક્ષા રોકીને ડભોઈના કેટલાક કિન્નરોએ હુમલો કરી લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદકના બે કિન્નરોને યજમાનવૃત્તિમાં આવેલી રોકડ રકમ તથા ઘરેણાં લૂંટી લઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ડભોઈના ચાર કિન્નરોની સામે નોંધાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઉષાભાવ ઠાકરે નગરમાં રહેતા રોનિકા દે, આરતી દે કિનનર તરીકે યજમાન વૃત્તિ કરે છે. તેઓએ ડભોઈ ઝારોલા વાડીમાં રહેતા વૈશાલીકુંવર જોયાકુંવર, ખુશીકુંવર જોયાકુંવર, દિવ્યાકુંવર તેમજ પલ્લવી ઉર્ફે પવનકુંવર સામે ડભોઈ પોલીસ સટેશનમાં ફરિયાદ નોંધાવી છે
જેમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે તેઓ તેમજ માયાદે, શીતલ દે નામના કિન્નર અમદાવાદથી રિક્ષા ભાડે કરીને બરાનપુરા ખાતે રહેતા માતાજી અનિતાકુંવર મરણ પામી ગયા હોવાથી તેમની ત્રીજના જમણ માટે ડભોઈ રબારી વગામાં જતા હતા. તે વખતે ડભોઈ પાસે વેગા ગામની સીમમાં બંધ પાર્ટી પ્લોટ પાસે અન્ય એક રિક્ષાએ આવીને અમને રોકયા હતા.
આ રિક્ષામાંથી વૈશાલીકુંવર તેમજ અન્ય કિન્નરોએ લાકડાનો ડંડો લઈને નીચે ઉતરેલા અને અમદાવાદથી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો ? તેમ કહી ધમકી આપી હતી જેથી તેમને જણાવ્યું હતું કે અનિતાકુંવર મરણ પામી ગયેલ હોવાથી ત્રીજનો જમણવાર છે ત્યાં જઈએ છીએ જો કે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાનો ડંડો માર્યો હતો જ્યારે માયા દે છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો.
ડભોઈના વૈશાલી સહિત અન્ય લોકોએ માર મારી તેઓ પાસેના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. તેમજ હવે પછી અમદાવાદથી આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી ઉચ્ચારી હતી. યજમાનવૃત્તિના ૪૯૦૦ અને નાકમાં પહેરેલી સોનાની જળ મળી કુલ ૧,૪૦,૦પ૦ની માલની મત્તાની લૂંટ ચલાવીને મારી નાંખવાની ધમકી આપીને ચારેય કિન્નરો નાસી છૂટયા હતા. પોલીસે આ મામલે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.