અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
અમદાવાદ. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે સાંજે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હાલ અમદાવાદના નરોડા, બોપલ-ઘુમા, નિકોલ, ચાંદખેડા, મોટેરા, ન્યૂ રાણીપ, ગોતા, મોટેરા, રાણીપ, એસ.જી. હાઇવે મણિનગર, રામોલ, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાંજે ઓફિસથી ઘરે પરત ફરવાનો સમય હોવાથી વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગતા વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે, જે 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. જેમાં ખાસ કરીને 15 જુલાઇથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાથી લઇને હળવોથી ભારે વરસાદ શરૂ થશે.