Western Times News

Gujarati News

અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં તા. ૧પ એપ્રિલથી તા. ર૧ એપ્રિલ દરમ્યાન કરફયુ જાહેર

દૂધ-શાકભાજી-કરિયાણા-દવાઓ વગેરેની ખરીદી માટે ફરફયુના દિવસો દરમ્યાન દરરોજ  ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ત્રણ કલાક માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત

વડાપ્રધાનશ્રીની દેશવ્યાપી લોકડાઉન તા. ૩ મે સુધી લંબાવવાની જાહેરાતના સંદર્ભમાં ગુજરાતમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉનનનો ચૂસ્ત અમલ કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોરોના વાયરસની સ્થિતીની સમીક્ષા માટેની કોર કમિટીની બેઠકે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં તા. ૧૫ એપ્રિલથી ર૧ એપ્રિલ દરમ્યાન કરફયુ જાહેર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીની બેઠકના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, વિશ્વવ્યાપી મહામારી કોરોનાનો વ્યાપ અમદાવાદમાં વધ્યો છે. રાજ્યમાં કોરોનાના નોંધાયેલા કેસના પ૦ ટકા એટલે કે ૩પ૦ થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
આ સંદર્ભમાં રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણનો વ્યાપ અટકાવવાના પગલાંઓ અને આયોજન માટે સિરીઝ ઓફ મિટીંગ્સ યોજી, સ્થિતીનો કયાસ મેળવીને અને વિશ્લેષણ કરીને કોટ વિસ્તાર તેમજ દાણીલીમડામાં કરફયુનો અને સઘન આરોગ્ય તપાસણીનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું કે, કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં તા. ૧પ એપ્રિલ સવારના ૬ વાગ્યાથી તા. ર૧ એપ્રિલ સવારના ૬ વાગ્યા સુધી સંપૂર્ણ કરફયુ રહેશે. આ વિસ્તારના લોકોને દૂધ, શાકભાજી, કરિયાણુ, દવાઓ જેવી વસ્તુઓ મેળવવા માટે કરફયુના દિવસો દરમ્યાન બપોરે ૧ થી ૪ દરમ્યાન માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, અમદાવાદ મહાનગરમાં ખાસ કરીને દાણીલીમડા વિસ્તારમાં કોરોનાનું વ્યાપક સંક્રમણ થતાં આગામી ૬,૭ દિવસમાં સઘન ઝૂંબેશ કોરોના વાયરસના સંક્રમણને ત્યાં જ દબાવી દેવા આરોગ્ય વિભાગ હાથ ધરશે.
તેમણે ઉમેર્યુ કે કોરોના સંક્રમિત લોકોને શોધીને તેમની સારવાર – ટ્રીટમેન્ટ આપવા સાથે સર્વેલન્સની કામગીરી પણ સરળતાએ થઇ શકે તે માટે અને સંક્રમણને પ્રસરતું અટકાવવા આરોગ્ય વિભાગ આ વિસ્તારમાં ફોકસ કરશે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવ્યાપી લોકડાઉન તા. ૩ મે સુધી લંબાવ્યું છે તે સંદર્ભમાં ગુજરાતમાં પણ આગામી તા. ૩ મે સુધી લોકડાઉન ચુસ્તપણે અમલી રહેશે તેમ ઉમેર્યુ હતું.  તેમણે તા. ૧૪ એપ્રિલ સુધીના ર૧ દિવસના અત્યાર સુધીના લોકડાઉન દરમ્યાન રાજ્યના નાગરિકોએ જે સહયોગ આપ્યો અને લોકડાઉન નિયમોનું પાલન કર્યુ તેની પ્રસંશા કરતાં આભાર પણ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હવે જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા દેશવ્યાપી લોકડાઉન તા. ૩ મે સુધી લંબાવ્યું છે ત્યારે ગુજરાતના સૌ નાગરિક ભાઇ બહેનો પણ આમાં સહયોગ-સહકાર આપશે અને તા. ૩ મે સુધી લોકડાઉન દરમ્યાન ઘરમાં જ રહેશે – સુરક્ષિત રહેશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, તા. ૩ મે સુધીના લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર અને પોલીસતંત્ર પ્રતિબદ્ધ છે.  આ કોર કમિટીની બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.