અમદાવાદના ગાયનેક ડો.મુકેશ બાવિશીએ ૧૦મી વખત નેશનલ એવોર્ડ જીત્યો
અમદાવાદ, ૨૦ મેના રોજ, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં, જર્મનીના મેસ્સે ડ્યુસેલડોર્ફના એમડી થોમસ શ્વિટઝના હાથે અમદાવાદના ટોપ ગાયનેકોલોજિસ્ટ ડો.મુકેશ બાવિશીને સ્ટેન્ડિંગ ઓવેશન
સાથે બેસ્ટ ગાયનેક સર્જન અને બેસ્ટ ગાયનેક કેન્સર સર્જન ઓફ ઈન્ડિયા ૨૦૨૨નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઈવેન્ટ મેસ્સે ડ્યુસેલડોર્ફ અને મેડગેટ દ્વારા આયોજિત મેડિકલ ફેરનો એક ભાગ હતો. સાત પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જ્યુરી દ્વારા વિવિધ કેટેગરીઝમાં ભારતભરના આ એવોર્ડ વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતાં.
આ સતત ૧૦મું વર્ષ છે જ્યારે ડો.મુકેશ બાવિશીને આ પ્રતિષ્ઠિત ટ્રોફી એનાયત કરવામાં આવી છે. તેમણે પ્રથમ વખત ૨૦૧૩માં આ એવોર્ડ જીત્યો હતો. અને ત્યારથી તેઓ દર વર્ષે આ એવોર્ડ મેળવે છે. ભારતભરમાં કદાચ પ્રથમવાર જ કોઈ ડોક્ટરને આ એવોર્ડ સતત દસ વર્ષ સુધી મળ્યો છે.
ડો.મુકેશ બાવિશીએ જીસીઆરઆઈ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સિટ્ટયૂટ, અમદાવાદ ખાતે ગાયનેક કેન્સર સર્જન તરીકેની ટ્રેઇનિંગ લીધઈ હતી. ૧૯૮૨માં તેઓ આખા ભારત દેશના સ્ત્રી-કેન્સર વિભાગના પ્રથમ રેસિડેન્ટ ડોક્ટર બન્યા હતા. તેઓ છેલ્લા ૩૪ વર્ષથી ગાયનેક સર્જન અને ગાયનેક કેન્સર સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
તેઓ એક શોધક, વિશ્વ-વિક્રમ ધારક અને આંતરરાષ્ટ્રીય વક્તા છે. જેમને ગુજરાતી વિશ્વકોશમાં સ્ત્રી-કેન્સર વિષે લેખ લખવા આમંત્રણ મળ્યું હતું. એક પરગજુ ડોક્ટર તરીકેની નામના તેઓએ સાર્થક કરી છે. તેમણે તેમના પત્ની ડો.વિદુલા સાથે મળીને છેલ્લા ૨૭ વર્ષથી દર વર્ષે ગુજરાત અને રાજસ્થાનની ગરીબ જરૂરિયાતમંદ ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ માટે મફત સર્જિકલ કેમ્પ કરીને સેંકડો મફત સર્જરી કરી છે.