અમદાવાદના ગીતામંદીર તથા વાડજ વિસ્તારમાં હત્યાના બનાવો
શહેરમાં ર૪ કલાકમાં ત્રણ હત્યા : કાગડાપીઠ અને વાડજ પોલીસે કાર્યવાહી શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગત ર૪ કલાકમાં બહેરામપુરા બાદ વધુ બે હત્યાની ઘટનાઓ સામે આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયુ છે પહેલો બનાવ ગીતામંદીર કૃષ્ણનગરના છાપરામાં બન્યો છે જેમાં મિત્રો વચ્ચે બબાલ થતાં ચાર મિત્રોએ ભેગા થઈ એકની હત્યા કરી નાખી હતી જયારે વાડજમાં પતિ-પત્નિ વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં પંખાની મોટર મારીને તેની હત્યા કરી નાખી છે.
ગીતામંદીર નજીક કૃષ્ણનગરના છાપરા આવેલા છે જેમાં કૃણાલ રમેશભાઈ મકવાણા (૧૯) તેના પરીવાર સાથે રહેતો હતો અને છુટક કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવવા મજુરી કરતો હતો મંગળવારે સાંજે કૃણાલ તેના મિત્રો અનીલ રામજીભાઈ ખુમાણ (માણેકલાલની ચાલી, બહેરામપુરા), ચીરાગ સીંધવ, અજય વાઘેલા તથા માનવ પરમાર (ત્રણેય રહે. ખાડાના છાપરા, ગીતા મંદીર) સાથે મારુતિ કુરિયરની બાજુમાં સાર્વજનીક સ્કુલના ગેટ આગળ ઉભા હતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થતાં અચાનક અનિલે તેની પાસેની છરી કાઢી હતી અને ચીરાગે કૃણાલને મારવાનું કહેતા તેણે કૃણાલના પેટમાં છરી મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં ચારેય ત્યાંથી છરી લઈને ભાગી છુટયા હતા ત્યારે સ્થાનિક લોકો તેને હોસ્પીટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટના અંગે મૃતકની માતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જયારે વાડજમાં ચંદ્રભાગા હાઉસીંગ મકાનમાં રહેતા ગૌરીબેનના બીજા લગ્ન ત્રણેક મહીના અગાઉ ગૌતમભાઈ સાથે થયા હતા મુળ ભાલુસણા ગામના ગૌતમભાઈ લગ્ન બાદ અમદાવાદમાં આવીને રહેતા હતા અને બેંકમાં નોકરી કરતા હતા. બુધવારે સવારે દસ વાગ્યાની આસપાસ બંને પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ગૌતમભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પંખાની મોટર માથામાં મારીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.