અમદાવાદના ગોલ્ડન કતાર ડિવિઝન ખાતે સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણી થઇ
Ahmedabad, 15 Jan 2020 અમદાવાદમાં ગોલ્ડન કતાર ડિવિઝન ખાતે 15 જાન્યુઆરી 2020ના રોજ ચોથા સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોલ્ડન કતાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવ, અધિકારીઓ, JCO, જવાનો અને સેવા નિવૃત્ત સૈનિકએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સેવા નિવૃત્ત સૈનિક અને ગોલ્ડન કતાર ડિવિઝનના GCO દ્વારા શહીદોને પુષ્પાંજલી અર્પણ કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેવા નિવૃત્ત સૈનિકએ સેવા આપી રહેલા અધિકારીઓ, JCO, જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમને નવી નીતિઓ અને માજી સૈનિકો અને શહીદો તેમજ તેમના પરિવારજનોના કલ્યાણ સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણીનો મુખ્ય આશય આપણા સેવા નિવૃત્ત સૈનિકને સુવિધા પૂરી પાડવાનો તેમજ જો નિવૃત્તિ પછી તેમને કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવાનો હતો. નોંધનીય છે કે, વર્ષ 2019ને ભારતીય સૈન્ય દ્વારા “સૈનિકોના વારસો”નું વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત, ગોલ્ડન કતાર ડિવિઝન દ્વારા માજી સૈનિકો અને શહીદોના વારસો અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવે છે અને તેમની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવે છે. અમદાવાદ ખાતે માજી સૈનિકોના કલ્યાણ અર્થે ઑગસ્ટ 2019માં એક નોકરીમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.