અમદાવાદના ઘાટલોડિયા,બોડકદેવ ગોતા વિસ્તારોમાં કોરોના બેફામ બન્યો
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં અને ખાસ કરીને મહાનગરોમાં ફરીવાર કોરોનાનો ફુંફાડો વધ્યો છે. તો ચિંતાજનક બાબત એ છે અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ દિવસેને દિવસે વધી રહ્યા છે.હાલ અમદાવાદના ઘાટલોડિયા,બોડકદેવ,ગોતા વિસ્તારમાં રહેલા મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા સ્થાનિકો તથા આસપાસના વિસ્તારોમાં પણ કોરોનાના કેસને લઈને ચિંતા જાેવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં ૩૬ મકાન, સત્ય એપોર્ટમેન્ટમાં ૧૬ મકાન, બોડકદેવના સુરેલ એપોર્ટમેન્ટમાં ૧૨ મકાનો શ્રીક્રિષ્ના એપોર્ટમેન્ટમાં ૧૨ મકાન તથા ગોતાના સત્યમેવ વિસ્ટાના ૨૪ મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, ગઇકાલે ૭૧૫ નવા દર્દી જ્યારે ૪૯૫ દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને સુરતમાં ૧-૧ દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે ૪૦૦૬ એક્ટિવ કેસ છે. તો હાલ ૫૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને ૯૬.૯૫ ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૬૮,૧૯૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ ૪૪૨૦ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે.
સુરત શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૧૪૧ નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૪ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૯૧ કેસ, જ્યારે ગ્રામ્યમાં ૨૬ કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં ૫૮ કેસ અને ગ્રામ્યમાં ૧૧ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં ૧૮૩ કેસ અને ગ્રામ્યમાં ૧૩ નવા કેસ સાથે ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. સુરતમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. મહત્વનું છે કે,
ગઇકાલથી જ સુરત મહાપાલિકાએ શાળાઓમાં ટેસ્ટિંગ હાથ ધર્યું છે. ૫૦ શાળાઓમાં ૨ હજાર ૭૪૬ લોકોના ટેસ્ટ કરાયા છે. ૫ શિક્ષકો, ૧૨ વિદ્યાર્થી મળીને ૧૭ કેસ કોરોના સંક્રમિત આવ્યા છે. બહારગામથી આવતા લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કરાશે. કોરોનાના વધતા કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી નહીં કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના મહાનગરપાલિકા વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી નહીં થઇ શકે.તો આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ધૂળેટી ઉજવણી માટે આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે.