Western Times News

Gujarati News

ચાંદખેડામાં જન્મ દિવસે મિત્રએ મિત્રની હત્યા કરી

અમદાવાદ, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીને જન્મ દિવસે મિત્રએ ગિફ્ટમાં મોત આપ્યું છે. શહેરમાં ધંધા માટે લીધેલા પૈસા પરત કરવામાં વિલંબ કરનારા મિત્રની હત્યા કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલો મિત્ર વેપારીની હત્યા કરીને ફરાર થઇ ગયો છે. આ બિલ્ડીંગમાં આવેલ વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો ૩૦ મેં ના રોજ જન્મદિવસ હતો.

કમલેશભાઈ પોતાની ઓફિસમાં હતા, ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ રૂ ૨ કરોડની ઉઘરાણી કરવા આવ્યો હતો. અને કમલેશ ભાઈને કંપનીના કર્મચારીની હાજરીમાં મૂઢ માર માર્યો હતો. કમલેશભાઈ બેભાન થઈ જતા તેમને કંપનીના કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરએ મૃત જાહેર કર્યા હતા. ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે મૃતક કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ બન્ને ૧૦ વર્ષથી એકબીજાના પરિચય માં હતા. અને સારા મિત્રો હતા. ભદ્રેશ પટેલ કન્સ્ટ્રકશનની સાથે ફાયનાન્સનો પણ ધંધો કરતો હતો. જેથી છેલ્લા ૭ વર્ષથી કમલેશભાઈ અને ભદ્રેશ વચ્ચે ધંધા માટે નાણાંકીય વ્યવહાર ચાલતો હતો.

રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશભાઈએ જાન્યુઆરી ૨૦૨૨ માં વેલ્ટોસા કપની શરૂ કરી હતી. અને રૂ ૨ લાખ ભાડું પણ ચૂકવતા હતા. આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશભાઈ ૬ કરોડ ઉછીના લીધા હતા. ૪ કરોડ ચૂકવી દીધા હતા.

જ્યારે ૨ કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતો હતો. સાથે જ મારી નાખવાની ધમકી પણ આપતો હતો. હત્યાના દિવસે એટલે કે ૩૦ મેંના રોજ કમલેશભાઈ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા, તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી. હાલમાં ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં ૩ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.