અમદાવાદના થલતેજ-શીલજ રોડના હુક્કાબાર પર રેડઃ ૫ની ધરપકડ
અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર અને જ્યા સૌથી વધુ યુવાઓ રાત્રે ફરવા નિકળે છે તેવા થલતેજ-શીલજ રોડ પરના માહોલ ધ બિસ્ટ્રોલ એન્ડ લોન્જ હુક્કાબારમાં દરોડો પાડીને સોલા પોલીસે પ્રતિબંધિત હુક્કાબારના ૨ સંચાલક અને ૩ કર્મચારીની ૧૬ હુક્કા અને ૫૭ ફ્લેવર સાથે ધરપકડ કરી હતી. જ્યારે હુક્કાબારની મહિલા સંચાલક ફરાર છે.
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાને બાતમી મળી હતી કે માહોલ ધ બિસ્ટ્રોલ એન્ડ લોન્જ નામનો હુક્કાબાર ચાલે છે. તેથી તેમણે સ્ટાફ સાથે રાતે હુક્કાબારમાં દરોડો પાડ્યો હતો. જાે કે પોલીસને જાેઈને ત્યાં ટેબલ-ખુરશી પર બેસીને હુક્કો પીતા યુવક-યુવતીઓ ભાગી ગયા હતા. ધરપકડ કરાયેલા ૨ સંચાલકમાં ધ્રુવ બ્રહ્મભટ્ટ, સુરેશ ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે કર્મચારીમાં શિવમ દુબે, મોહિત પાસવાન અને સૂરજ મિશ્રા છે.
પોલીસે ધ્રુવ અને સુરેશની પૂછપરછમાં હુક્કાબારમાં રશ્મિબેન પટેલની ભાગીદારી હોઇ, રશ્મિ પટેલના કહેવાથી જ હુક્કાબાર ચાલતો હોવાનું કબૂલ્યું હતું. આ મહિલા હજુ પકડાઈ નથી. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટ જે.પી.જાડેજાના જણાવ્યા અનુસાર હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં લોન્જ હુક્કાબાર ચાલુ કર્યો હતો. ૧ મહિના પહેલાં પણ સોલા પોલીસે આ જ હુક્કાબાર પર દરોડો પાડીને સંચાલકોની ધરપકડ કરી હતી.