અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 24 કલાકમાં 184 દર્દીઓ કોરોનામુક્ત થયા
અમદાવાદ શહેરમાં કોરોનાનો ડિસ્ચાર્જ રેશિયો 74 ટકા થયો
અમદાવાદ (દેવેન્દ્ર શાહ), શહેરમાં વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.છેલ્લા 20 દિવસથી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટર દર્દીઓથી ભરાઈ ગયા છે. પરંતુ.કોરોના પોઝિટિવ વધવાની સાથે સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કોરોનામુક્ત થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા અને ટકાવારી માં નોંધપાત્ર વધારો થયો છે. અનલોક1 દરમ્યાન હોટસ્પોટ બનેલા પશ્ચિમઝોનમાં રવિવારે 184 અને મધ્યઝોનમાં 137 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં પોઝીટીવ કેસની સામે ડિસ્ચાર્જ રેશિયો 74 ટકા થયો છે.
અનલોક1 દરમ્યાન કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમઝોન કોરોનાના નવા હોટસ્પોટ બની ગયા છે. જૂન મહિનામાં આ ત્રણ ઝોનમાં કોરોનાના એક-એક હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. પરંતુ રાહત ની બાબત એ છે કે કોરોનાના નવા કેસની સામે ડિસ્ચાર્જ કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 21 જૂને 407 પેશન્ટ કોરોનામુક્ત થયા હતા જે પૈકી માત્ર પશ્ચિમઝોનમાં જ 184 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
જયારે મધ્યઝોનમાં 137 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. 20 જૂને પણ 401 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે પૈકી પશ્ચિમ ઝોનમાંથી 70 અને પૂર્વઝોનમાં 275 પેશન્ટને રજા આપવામાં આવી હતી.શહેરમાં માત્ર 3395 એક્ટિવ કેસ છે.મધ્યઝોનમાં 254, પશ્ચિમઝોનમાં 699, ઉતરપશ્ચિમ ઝોનમાં 391, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 365, ઉતરઝોનમાં 786, પૂર્વઝોનમાં 474 અને દક્ષિણઝોનમાં 466 કોરોના એક્ટિવ કેસ છે. 21 જૂને નવા 260 કેસ નોંધાય હતા. જે પૈકી મધ્યઝોનમાં 12, પશ્ચિમઝોનમાં 53, ઉતરપશ્ચિમઝોનમાં 37, દક્ષિણપશ્ચિમઝોનમાં 16,ઉતરઝોનમાં 39, પૂર્વઝોનમાં 63 અને દક્ષિણઝોનમાં 40 કેસ નોંધાયા હતા.
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સઘન પ્રયાસ બાદ શહેરમાં કોરોનાથી સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અમદાવાદમાં કોરોનાના કુલ 18133 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 13437 દર્દીઓ કોરોનામુક્ત થઈ ગયા છે. આમ, પોઝીટિવ કેસ પૈકી લગભગ 74ટકા દર્દી સાજા થયા છે. 21 જૂન સુધીની પ્રાપ્ય વિગત મુજબ એસ.વી.પી.હોસ્પિટલમાંથી 2303, સિવિલ હોસ્પિટલ -શાહીબાગમાંથી 2211, ગોતા સિવિલમાંથી 257 અને ખાનગી હોસ્પિટલોમાંથી 2160 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે સરકારી કોવીડ સેન્ટરમાં 1714 અને ખાનગી કોવીડ સેન્ટરમાં 465 દર્દીઓ સાજા થઈ ગયા છે. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ પૈકી 4168 કોરોનામુક્ત થયા છે.