અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના ૩૫ હજારથી વધુ એક્ટીવ કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona1-1024x602.jpg)
હોસ્પિટલોમાં ઉપલબ્ધ -બેડની માહિતી ઓનલાઈન કરવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાના અંતમાં દૈનિક કેસની સંખ્યા ૫૫૦૦ હતી જે છેલ્લા બે-ત્રણ દિવસથી ૪૫૦૦ આસપાસ થઈ છે. શહેરમાં કોરોનાના કેસ ઘટવાની સાથે એક્ટીવ કેસ પણ ઘટી રહ્યા છે તેમજ હોસ્પિટલોમાં અગાઉ જેવી ભીડભાડ કે અફડા તફડી જાેવા મળતી નથી.
નામદાર હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા ખાનગી ૧૬૫ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માહિતી ઓનલાઈન મુકવામાં આવી રહી છે. પરંતુ કેસ કોરોના કેસની સાચી વિગતો હજી પણ છુપાવવામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં વોર્ડ/ઝોન વાઈઝ કેસની વિગતો જાહેર થતી નથી.
શહેરમાં ચોથી મેની સ્થિતીએ સૌથી વધુ એક્ટીવ કેસ ઉ.પ્ર અને પશ્ચિમ ઝોનના વિસ્તારમાં કન્ફર્મ થયા હતા જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં ૩૫ હજાર કરતા વધુ કેસ એક્ટીવ હોવાની વિગતો બહાર આવી છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર (મે-જુન ૨૦) દરમ્યાન પૂર્વ વિસ્તારમાં વધુ કેસ નોંધાયા હતા જ્યારે દિવાળી બાદની લહેર દરમ્યાન પશ્ચિમના વિસ્તારો ઝપટમાં આવી ગયા હતા. હાલ, ચાલી રહેલી ત્રીજી લહેરમાં દરમ્યાન પણ પશ્ચિમના વિસ્તારોમાંથી જ વધુ કેસ કન્ફર્મ થઈ રહ્યા હોવાની ચર્ચા છે. જ્યારે એક્ટીવ કેસ પણ પશ્ચિમના વિસ્તારોમાં જ વધારે હોવાનું કન્ફર્મ છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ ચાર મે એ કુલ ૬૭૮૫૩ કેસ એક્ટીવ હતા. જે કુલ કેસના લગભગ ૩૭.૮ ટકા આસપાસ હતા. જે પૈકી શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૭.૭ ટકા અને પશ્ચિમ ઝોનમાં ૧૮ ટકા કેસ એક્ટીવ રહ્યા છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં ૧૭ ટકા એક્ટીવ કેસ છે. આમ, પશ્ચિમના વિસ્તારોમાં કુલ એક્ટીવ કેસના લગભગ ૫૩ ટકા કેસ એક્ટીવ જાેવા મળ્યા છે.
જેની સંખ્યા લગભગ ૩૫૭૪૦ થાય છે. શહેરના મધ્યઝોનમાં સૌથી ઓછા ૭૧૨૬ કેસ એક્ટીવ છે. જ્યારે ઉત્તરઝોનમાં ૮૯૫૯, દક્ષિણ ઝોનમાં ૮૪૮૪ તેમજ પૂર્વઝોનમાં ૭૬૦૧ એક્ટીવ કેસ જાહેર થયા છે. પાંચમી મે એ એક્ટીવ કેસની સંખ્યા ઘટીને ૬૬૯૫૬ થઈ હતી. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૧૩૯૪૨ થઈ છે.
નામદાર હાઇકોર્ટના આકરા વલણના પગલે સારા પરિણામ જાેવા મળી રહ્યા છે. જેમાં ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની ઓનલાઈન માહિતીનો પણ સમાવેશ થાય છે. કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે તેમાં ઉપલબ્ધ બેડની માહિતી સરળતાપૂર્વક મળે તેવા પગલા લેવાનો પણ આદેશ હતો.
મ્યુનિ. કોર્પોરેશને તેનો અમલ શરૂ કર્યા છે તેમજ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ પર ૧૬૫ હોસ્પિટલોમાં ભરેલા અને ખાલી બેડની માહિતી અપલોડ કરવામાં આવી છે. જેમાં જેતે હોસ્પિટલ તેમજ તેમાં જવાબદાર વ્યક્તિના નામ અને સંપર્ક નંબર પણ મૂકવામાં આવી રહ્યા છે.
તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાના કારણે કોરોના દર્દીઓ અને તેમના સ્વજનોને રાહત થશે. નોંધનીય બાબત એ છે કે ખાનગી વાહનોમાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવાની છુટ આપવામાં આવ્યા બાદ ૧૦૮ની સેવામાં થોડી વધુ ઝડપી બની છે. તેમજ સીવીલ હોસ્પિટલ કેમ્પસમાં જે લાંબી કતારો લાગતી હતી તે પણ બંધ થઈ ગઈ છે.