અમદાવાદના બોળ ગામમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને ડિગ્રી વગરના કલીનીક ચલાવતા ડોક્ટરને લઈ માહિતી મળી હતી અને જે માહિતીના આધારે ગ્રામ્ય ર્જખ્ત ને આવા ડોક્ટર સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એસઓજી અલગ અલગ ટીમો બનાવી આવા ડોક્ટર સામે કાર્યવાહી કરવા શરૂ કરેલ છે.
અને જે આધારે વધુ એક ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે બોળ ગામમાં આવેલ બેસ્ટ સુપર મોલની સામે દુકાન ભાડે રાખી ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટિસ કરી દવાઓ આપી ગેરકાયદેસર કામ એક વ્યક્તિ કરી રહ્યો છે. અને જે માહિતી બાદ એસઓજીની ટીમે કાર્યવાહી કરી આરોપી રમેશ લોહાણાની ધરપકડ કરી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઘટલોડિયા વિસ્તારમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રેકટીસ કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ એલોપેથીક દવાઓ, ઈન્જેકશન અને મેડિકલના સાધનો સાથે કુલ ૧૩ હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આરોપી સામે ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વ ની વાત તો યે છે કે હવે આવા ડોક્ટર સામે પોલીસે વધુ તેજ કાર્યવાહી શરૂ કરી છે
અને આંકડાની વાત કરીએ તો ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે માત્ર ૨ કેસ કરવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે ૨૦૨૧માં ૩ આવા ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ વર્ષે આંકડો વધી શકે છે. કારણ કે આવા ડિગ્રી વગરના ડોક્ટર સામે કાર્યવાહી ચાલુ છે.