અમદાવાદના બ્રિજ પરથી ૩૦ ફૂટ નીચે કાર ખાબકી
ઘટનાસ્થળે જ બે મિત્રોના મોત નિપજ્યા
આ અકસ્માતમાં આખી કારનો ડૂચો વળી ગયો હતો :કાર કઇ રીતે નીચે પડી તે અંગે વધુ તપાસ ચાલી રહી છે
અમદાવાદ,શહેરમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવે છે. ત્યારે ફરીથી એક બ્રિજ પરથી કાર નીચે પડતા ઘટના સ્થળે જ બે મિત્રોના મોત નીપજ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કાર કઇ રીતે નીચે પડી તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કારમાં જઇ રહેલા જીવરાજ પાર્કના રહીશ સંદીપ શાહ (ઉ.વ. ૩૫) અને સરખેજના રહીશ વસાવાના (ઉ.વ. ૨૮) મૃત્યું નિપજ્યા છે. શનિવારના રાતે ૧૧ કલાકેની આસપાસ એસજી હાઇવે પર ઉજાલા બ્રિજ પરથી આ બંને મિત્રો ઇનોવા કાર લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ઇનોવા કાર બે વાર પલટી ખાઇ ગઇ હતી. જેથી કાર બ્રિજ પરથી નીચે પટકાઇ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બંને મિત્રો હતા. સંદિપ કોન્ટ્રાક્ટ પર ભાડેથી ઇનોવા ચલાવતો હતો. આ કાર કઇ રીતે પલટી ખાઇ ગઇ હજી તે સામે આવ્યું નથી. આ બંને મિત્રો ક્યાં જઇને આવ્યા હતા અને ક્યાં જઇ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે મૃતક સંદીપ શાહ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા મે મહિનાના અંતમાં પણ આવો જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતીનું મોત નીપજ્યુ હતું. શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપતીનું મોત થયું હતું. શહેરના સોલા ભાગવત પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધું હતું. ટુ વ્હિલરને પાછળથી ટક્કર લાગતા વાહન પર સવાર દંપતી પુલ પરથી નીચે પટકાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું હતુ.
તો અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.અમદાવાદમાં ૧૮મી ઓગસ્ટની રાતે પણ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતુ. અમદાવાદમાં વિશાલા હોટલના કેશિયર તરીકે કામ કરતા એક યુવકને ઓડી કાર ચાલકે અડફેટે લીધો હતો.ss1