અમદાવાદના ભરચક વિસ્તારમાં ભાજપની રેલી
અમદાવાદ, રાજ્યમાં શુક્રવારે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થયા હતાં ત્યારે ભાજપે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં અસારવામાં ભાજપની રેલીમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતાં દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, બીજી તરફ એએમટીએસની બસે ડિવાઈડર કૂદાવવું પડ્યું હતું.
સી.આર.પાટીલની રેલી ખાડિયા પહોંચતાં જ ખાડિયામાં ભાજપના કાર્યકરોએ ગરબા કર્યાં હતાં. ખાડિયા પહોંચતા જ ભાજપના પ્રદેશ પ્રમુખની રેલી પૂર્ણ થઈ હતી.
મોટા ભાગના વોર્ડમાં આજે રેલી ઉપરાંત ભાજપની રેલીને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. હજી ભાજપની રેલી શરૂ થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં શાહીબાગ નમસ્તે સર્કલ પાસે મોટો ટ્રાફિક જામ થયો હતો. લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. શાહીબાગ વોર્ડની રેલીમાં ભાજપના કાર્યકરો બાઇકો પર માસ્ક વગર અને હેલ્મેટ વગર આવ્યા હતા.
નમસ્તે સર્કલથી દિલ્લી દરવાજા , દરિયાપુર દરવાજા, પ્રેમદરવાજા, કાલુપુર ચાર રસ્તા, કાલુપુર રેલવે સ્ટેશન સહિત કોટ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહેતો હોય છે ત્યારે રેલીના કારણે ભારે ટ્રાફિક સમસ્યામાં મુકાયા હતાં અમદાવાદમાં ભાજપની રેલીમાં દેશમાં થયેલા કાર્યોને લઈને પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.
રેલીમાં જાેડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત તમામ કાર્યકર્તાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો હતો. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કોરાણે રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરુઆત કરી દીધી હતી.